હાપા તથા કાનાલુસ રેલવે સ્ટેશનનો ૫૫ કરોડથી વધુના ખર્ચે થશે પુન:વિકાસ

  • February 27, 2024 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પુન:વિકસિત થનાર દેશના ૫૫૪ રેલવે સ્ટેશનોનો શિલાન્યાસ કર્યો: પહેલાના સમયના જર્જરિત રેલવે સ્ટેશનો વડાપ્રધાનના નેતૃત્વમાં આધુનિક અને સુવિધાસભર બની રહ્યા છે-સાંસદ પૂનમબેન માડમ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશના ૫૫૪ રેલવે સ્ટેશનોનો શિલાન્યાસ તથા ૧૫૦૦ જેટલા રેલવે ફ્લાયઓવર તેમજ અંડરપાસના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરી ૪૧ હજાર કરોડની રેલવે પરિયોજનાઓની દેશવાસીઓને ભેટ આપી હતી.આ ઉપક્રમ અંતર્ગત રૂ.૫૫.૨૩ કરોડના ખર્ચે જામનગર જિલ્લાના જામનગર, હાપા તથા કાનાલુસ રેલવે સ્ટેશનના પુન:વિકાસનો શિલાન્યાસ તથા જીવાપર, બાલાચડી, હાપા તેમજ નંદપુર-તમાચણ ફ્લાયઓવરના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત પણ વડાપ્રધાને કર્યા હતા.
પ્રાસંગિક ઉદબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે આજનું ભારત મોટા સપના જુએ છે અને તેને પૂર્ણ કરવા માટે દિવસ રાત એક કરે છે. શિક્ષણ, મેડિકલ સંસ્થાન, રેલવે સહિતના ક્ષેત્રે સરકાર આધુનિકરણ કરી રહી છે. આજે ૪૦ હજાર કરોડથી વધુના રેલવેના વિકાસ કામો એક સાથે પરિપૂર્ણ થયા તે તેનું ઉદાહરણ છે. વિકસિત ભારતના મુખ્ય સૂત્રધાર દેશના યુવાઓ છે તેમ જણાવતા વડાપ્રધાને કહ્યું કે યુવાઓને આ વિકાસ કામો થકી નવા રોજગારની વિપુલ તકો પ્રાપ્ત થશે. વિકસિત ભારત યુવાઓના સપનાનું ભારત છે અને યુવાઓના સપના, મહેનત અને મોદીનો સંકલ્પ એ વિકસિત ભારતની ગેરંટી છે.
આજે શિલાન્યાસ થયેલ પુન:વિકસિત થનાર રેલવે સ્ટેશન તેની સ્થાનિક સંસ્કૃતિને કેન્દ્રમાં રાખી નવો આકાર પામનાર છે જે પોતાના શહેરની વિશેષતાઓનો દુનિયાને પરિચય કરાવશે.ગરીબ અને મધ્યમ વર્ગ માટેની રેલવે સુવિધા આજે એરપોર્ટ જેવી આધુનિક બની રહી છે.આગામી સમયમાં ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થ વ્યવસ્થા બનાવવા સરકાર પૂરજોશમાં પ્રયત્નશીલ છે.
સાંસદ પુનમબેન માડમે આ પ્રસંગે જણાવ્યું કે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની અનેક ભેટ હાલારને અર્પણ કરી છે.ત્યારે આજે ફરી ડિવિઝન હેઠળના આઠ રેલ્વે સ્ટેશનના નવીનીકરણનો શિલાન્યાસ કરી નાગરિકો માટે રેલ સુવિધાઓનો ઉમેરો કર્યો છે.પહેલાના સમયના જર્જરિત રેલવે સ્ટેશનો આજે વડાપ્રધાનના નેતૃત્વમાં આધુનિક અને સુવિધાસભર બની રહ્યા છે.કાનાલુસથી ઓખા સુધીના ડબલિંગ તથા વંદે ભારત ટ્રેનને દ્વારકા-ઓખા સુધી લંબાવવાનું કામ પણ આયોજનમાં છે.
જિલ્લાના જે વિસ્તારોમાં રેલ નથી પહોંચી રહી તેવા વિસ્તારોને રેલ્વેથી જોડવા પણ પૂરતા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.આ તકે સાંસદે વધુમાં ઉમેર્યું હતું કે સાંસદ તરીકે કરેલી વિસ્તારના વિકાસની રજૂઆતો અંગે વડાપ્રધાનશ્રીએ હંમેશા હકારાત્મક અભિગમ દાખવ્યો છે અને ત્વરિત નિર્ણયો લઈ જામનગર સંસદીય ક્ષેત્રના અનેક વિકાસ કામો તથા લાભો મંજુર કરી સમગ્ર વિસ્તારને વિકાસની એક નવી દિશા આપી છે.
કાર્યક્રમ અંતર્ગત વિકસિત ભારતની થીમ પર વિવિધ ૭૫ શાળાઓના ૭,૯૫૦ જેટલા વિદ્યાર્થીઓ નિબંધ તથા ચિત્ર સ્પર્ધામાં સહભાગી થયાં હતાં જેમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અર્પણ કરી મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયાં હતા.
આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમ, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શહેર પ્રમુખ વિમલભાઈ કગથરા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી, દંડક કેતનભાઈ નાખવા, રેલવેના એ.ડી.આર.એમ. કે.કે.ચૌબે, સિનિયર ડી.સી.એમ. સુનિલકુમાર મીણા, પૂર્વ મેયર દિનેશભાઈ પટેલ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, કનકસિંહ જાડેજા, હસમુખભાઈ જેઠવા, પ્રતિભાબેન કનખરા, ભૂમિબેન પરીખ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા,  મહામંત્રી વિજયસિંહ જેઠવા, દિલીપભાઈ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા, પ્રકાશભાઈ બાંભણીયા, અભિષેકભાઈ પટવા, ભરતભાઈ બોરસદીયા, મહાનગરપાલિકાના કોર્પોરેટરો સહિત બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application