જી.જી.હોસ્પિટલ પરિસરમાં નિર્માણ પામશે રુા. ૫૭૫ કરોડના ખર્ચે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ

  • February 16, 2024 12:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દૃશ્યો થશે ભૂતકાળ...
નવી હોસ્પિટલ બની ગયા બાદ કદાચ આવા દ્રશ્યો જોવા મળશે નહીં અને દર્દીઓનો વ્હેલી તકે વારો આવી જશે.

***
૧૧૫૦ પથારીની હોસ્પિટલમાં ૬૫૦ બેડ સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓ અને ૫૦૦ બેડ માતૃ-બાળની સેવાઓ માટે ઉપલબ્ધ બનશે: નિર્માણ પામનાર નવીન હોસ્પિટલ જામનગર ઉપરાંત પડોશી જિલ્લાના લોકોની આરોગ્ય સુખાકારીમાં વધારો કરશે - આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ માત્ર હાલારના બે જિલ્લા એટલે કે જામનગર અને દ્વારકા માટે જ મહત્વની નથી, પરંતુ સૌરાષ્ટ્રભરમાંથી અહીં દર્દીઓ આવે છે, પોરબંદર, મોરબી સહિતના શહેરોમાં પણ વધુ પ્રમાણમાં દર્દીઓ સારવાર મેળવવા અહીં આવતા હોય છે અને એક પ્રકારે ગરીબ તથા મઘ્યમ વર્ગ માટે બીમારીના કપરાકાળ દરમ્યાન સરકારી હોસ્પિટલ સંજીવની જેવી સાબિત થાય છે, અહીં વારંવાર સાધનો, તબીબો, સ્ટાફની અછતની ફરિયાદો ઉઠતી રહે છે, પરંતુ એક મહત્વની બાબત એ છે કે જી.જી.ના પરિસરમાં રુા. પ૭પ કરોડના જંગી ખર્ચે નવી સુપર સ્પેશ્યાલીટી સાથેની હોસ્પિટલ જે આગામી વર્ષોમાં બનીને કાર્યરત થઇ જશે તે સૌરાષ્ટ્રભરના દર્દીઓ માટે મહત્વની બનશે.
રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જામનગર જી.જી હોસ્પિટલ એક્સપાન્શન સંદર્ભ જણાવ્યું છે કે, જી.જી.હોસ્પિટલ પરિસરમાં રુા. ૫૭૫ કરોડના ખર્ચે નવીન સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ નિર્માણ પામશે. આ નવીન હોસ્પિટલ જામનગર સહિત પડોશી જીલ્લાના નાગરીકોની સુખાકારીમાં વધારો કરશે. ૧૧૫૦ પથારીની હોસ્પિટલમાં ૬૫૦ બેડ સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓ અને ૫૦૦ બેડ માતૃ-બાળની સેવાઓ માટે ઉપલબ્ધ બનશે.
નવીન હોસ્પિટલમાં ઓ.પી.ડી, આઇ.પી.ડી, રસીકરણ, ઇમરજન્સી સારવાર, આઇ.સી.યુ, ઓપરેશન, નિદાન, ડી.ઇ.આઇ.આર.સી. (ડીસ્ટ્રીક્ટ અર્લી ઇન્ટરવેન્શન એન્ડ રીહેબિલિટેશન સેન્ટર), એન.આર.સી. (ન્યુટ્રીશનલ રીહેબીલીટેશન સેન્ટર),  સ્પેશ્યલ વેલ બેબી કલીનીક, એડોલસંટ કલીનીક, વગેરે જેવી સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે. હોસ્પિટલ પરિસરમાં વર્ષો જૂના બાંઘકામ તોડીને નવીન હોસ્પિટલ તૈયાર કરવાની પ્રક્રિયા આરંભવામાં આવી છ્.
હાલ જામનગરની જી.જી. હોસ્પિટલમાં ૨૧૪૫ બેડની સુવિધા ઉપલબ્ધ છે. વર્ષ ૨૦૨૧ થી ૨૩ માં ૧૪.૭૦ લાખ દર્દીઓએ સારવાર મેળવી.૨૪.૩૯ લાખ લેબ ટેસ્ટ કરવામાં આવ્યા. ૧૭,૩૦૭ સફળ પ્રસુતિ થઈ. ૧૮,૭૨૭  મેજર અને ૩૫,૫૬૫ માઇનોર સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application