જામનગરના રાજકારણમાં નથી ચાલ્યો પરીવારવાદ

  • February 06, 2024 01:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેલ્લા ત્રણ દાયકાના ઇતિહાસ પર નજર કરીએ તો સાંસદ, ગુજરાતના મંત્રી, ધારાસભ્ય રહી ચૂકેલા મોટા ચહેરાઓના સંતાનો રાજકારણમાં જોઇએ તેવી જગ્યા બનાવી શકયા નથી: એવું નથી કે દીવા પાછળ અંધારુ છે પરંતુ કોઇને કોઇ કારણે મોટા રાજકારણીઓના સંતાનો રાજકારણથી અળગા હોય એવી પ્રતીતિ થાય છે: રાષ્ટ્રિય કક્ષાએ અમુક પક્ષમાં પરીવારવાદ ચાલ્યો, ગુજરાતના રાજકારણમાં પણ પરિવારવાદને વધુ સ્થાન મળી શકયું નથી

રાજકારણમાં પરિવારવાદ કદાચ રાષ્ટ્રીય કક્ષાએ થોડોઘણો ચાલ્યો છે, કેટલાક દાખલા મોજુદ છે જેનાથી રાજકારણ અને રાજકીય પક્ષમાં પરિવારવાદ કે પછી વંશવાદના દર્શન થયા છે પરંતુ ગુજરાતના રાજકારણ પર દુર દુર સુધી નજર કરીએ તો બે-ચાર નામ જ એવા સપાટી પર આવે છે કે જેમની પાછળ પરિવારવાદનો લેબલ લાગી શકે અને એ નામના કારણે જ રાજકારણના મહાસાગરમાં એવા લોકોની હોળી ભલે હાલક ડોલક થતી થતી થોડીઘણી ચાલી છે, જયાં સુધી જામનગર જિલ્લાના છેલ્લા ત્રણ દાયકાના રાજકારણ પર અને મોટા રાજકારણીઓ પર નજર કરીએ તો સરવાળો એ નિકળે છે કે અહિંના રાજકારણમાં પરિવારવાદ ચાલ્યો નથી, રાજકારણીઓના સંતાનો બહુ મોટો દેખાવ કરી શક્યા નથી કે લોકોના દીલમાં સ્થાન મેળવવામાં સફળ થઇ શક્યા નથી.
ખૂબ જાણીતી વાત છે કે ઉદ્યોગપતિના પુત્ર અથવા પુત્રી ઉદ્યોગપતિ, વેપારીનો પુત્ર વેપારી, ડોકટરનો પુત્ર ડોકટર, અધિકારીનો પુત્ર અધિકારી, વકીલનો પુત્ર વકીલ બનતા હોય છે, ઘણાબધા કીસ્સાઓમાં આવું જોવા મળતુ હોય છે, કયાંક એવા દાખલા પણ મોજુદ હોય છે કે સંતાનો પિતાનો વારસો સંભાળતા નથી અને પોતાની અલગ કેડી કંડારે છે.
એજ રીતે રાજકારણીનો પુત્ર પણ રાજકારણી હોય એવા અસંખ્ય દાખલા રાષ્ટ્રીય કક્ષાએ અને રાજય કક્ષાએ જોવા મળ્યા છે, એ વાત અલગ છે કે સંતાનો પોતાના વાલીઓ જેટલી સફળતા કદાચ રાજકારણમાં મેળવી શક્યા નથી પણ એક જગ્યા બનાવવામાં કયાંકને કયાંક સફળ થયા છે.
જામનગરની વાત કરીએ તો અહિં સીનારીઓ થોડો જુદો છે, હાલમાં છેલ્લા ત્રણ દાયકાના રાજકારણીઓ અને ખાસ કરીને પ્રજાના પ્રતિનિધિ બની ચૂકેલા સંસદ સભ્ય, ધારાસભ્ય અથવા પૂર્વ મંત્રી રહી ચૂકેલા મોટા ગજાના રાજકારણના ચહેરાઓ પર નજર કરીએ તો મુશ્કેલીથી બે-ત્રણ નામ એવા મળે છે કે જેના સંતાનો પણ રાજકારણમાં પૂર્ણ રીતે સક્રિય રહ્યા, હા એ વાત અલગ છે કે એ પણ પોતાના પિતા જેટલી સફળતા તો મેળવી શક્યા નથી.
પૂર્વ સાંસદ ચંદ્રેશભાઇ પટેલના પુત્ર વિપુલ ચંદ્રેશભાઇ કોરડીયા (પટેલ) હાપા માર્કેટ યાર્ડની ચુંટણીમાં ભાજપની પેનલમાં ઉભા છે અને કદાચ આજે એમની હાર-જીતનો ફેસલો પણ થઇ જશે, જે રીતે ચંદ્રેશ પટેલ સાંસદ તરીકે પોતાની કારકીર્દી જમાવી શકયા અને લાંબો સમય પ્રભુત્વ મેળવી શકયા તેનું કોઇ બેનીફીટ વિપુલ પટેલ અથવા ચંદ્રેશભાઇના અન્ય સંતાનો રાજકારણમાં મેળવી શક્યા નથી અને ઉંચુ સ્થાન પ્રાપ્ત કરી શક્યા નથી.
ગુજરાતના વન મંત્રી અને જામનગર જિલ્લાના રાજકારણમાં મોટું નામ ધરાવતા મુળુભાઇ બેરાના કોઇ સંતાનો પણ હાલમાં સક્રિય રાજકારણમાં નથી, ભવિષ્યમાં એમના કોઇ સંતાનો રાજકારણમાં આગળ વધે છે કે કેમ એ તો સમય જ બતાવશે.
ગુજરાત સરકારના વર્તમાન કૃષિમંત્રી રાઘવજીભાઇ હંસરાજભાઇ પટેલ પણ જામનગર જિલ્લાના રાજકારણનું મોટું નામ છે, એમણે પોતાની કારકીર્દીમાં ઘણા ઉતાર ચડાવ જોયા છે, એક સમય એવો પણ હતો કે તેઓ રાજકારણમાં હાસીયામાં ધકેલાઇ ગયા હતાં પરંતુ ફરી ત્યાંથી બેઠા થયાં, પક્ષ બદલ્યા એ વાત અલગ છે પણ ગુજરાત કક્ષાના તેઓ રાજકારણી બન્યા એમના પુત્ર જયેન્દ્ર રાઘવજી મુંગરાનું રાજકારણ માત્ર જિલ્લા પંચાયત સુધી જ સીમીત રહી ગયું, તેઓ પણ પોતાના પિતાના મોટા નામનો ફાયદો અત્યારસુધી રાજકારણના પ્લેટફોર્મ પર ઉપાડી શક્યા નથી.
ગુજરાતના પૂર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ અને પૂર્વ મંત્રી આર.સી. ફળદુના પુત્ર આશિષભાઇ ફળદુ તો રાજકારણ થી અત્યારસુધી દુર જ છે અને સક્રીય રાજકારણમાં કયાંય એમનું નામ સાંભળવામાં આવ્યું નથી, એજ રીતે પૂર્વ મંત્રી ચિમનભાઇ સાપરીયા, પૂર્વ મંત્રી પરમાણંદભાઇ ખટ્ટર, પૂર્વ ધારાસભ્યો મનહરભાઇ ઝાલા અને લાલજીભાઇ સોલંકીના સંતાનો પણ રાજકારણમાં નથી, તો વર્તમાન ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડાના કોઇ સંતાનો પણ હાલ રાજકારણમાં નથી.
દ્વારકાના મોટા ગજાના રાજકારણી ધારાસભ્ય પબુભા વીરમભા માણેક રેકર્ડબ્રેક જીત ધરાવે છે એમના પુત્ર સ્વ. ચંદ્રસિંહ પબુભા માણેક દ્વારકા જિલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ બન્યા હતાં, એ પછીની ચુંટણીમાં એમનો પરાજય થયો હતો અને હાલમાં પબુભાના બીજા પુત્ર સહદેવસિંહ પબુભા માણેક ધીમે ધીમે પિતાનો વારસો સંભાળવા આગળ વધી રહ્યા હોય એવા સંકેતો મળે છે.
જામનગર શહેરની બેઠક પર ત્રણ ટર્મ વિધાનસભાની ચુંટણી જીતેલા પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી એવું નામ છે કે જેની લગભગ એક દાયકા સુધી શહેરના રાજકારણ પર તુતી બોલતી હતી, એમના પુત્ર દક્ષ ત્રિવેદી સૌરાષ્ટ્ર યુનિ.ના સેનેટ સભ્ય છે, જોકે જામનગર શહેરના રાજકારણમાં હાલમાં એમની સક્રિયતા જોવા મળતી નથી, વસુબેન ત્રિવેદી હાલમાં રાજય સરકારની ગુજરાત આલ્કલીઝ લી.માં ડાયરેકટર છે.
જિલ્લા યુવા કોંગી પ્રમુખ તરીકે કારકીર્દી શરુ કરનારા અને પહેલી જ વિધાનસભાની ચુંટણીમાં ભાણવડની બેઠક પર જાયન્ટ કીલર બનેલા વિક્રમભાઇ માડમ ૧૨-જામનગરની બેઠક પર બે ટર્મ લોકસભાની ચુંટણી જીતી ચૂક્યા છે અને હાલમાં જામનગર જિલ્લામાં કોંગ્રેસમાં એમનાથી મોટું બીજુ કોઇનું નામ નથી, એમના એક પુત્ર જયકિશન માડમ રાજકારણમાં રુચી ધરાવતા નથી, જયારે એમના બીજા પુત્ર કરણ માડમ દ્વારકા જિલ્લા પંચાયતની ચુંટણી લડ્યા હતાં પરંતુ એમનો પરાજય થયો હતો, આ પછી એમનું નામ પણ હાલની તકે સક્રિય રાજકારણમાં જોવા મળતુ નથી અને પિતાના પગલે તેઓ રાજકારણમાં આગળ વધે છે કે કેમ એ આવનારો સમય બતાવશે.
પૂર્વ મંત્રી ડો. દિનેશભાઇ પરમારના પુત્ર અખીલ પરમાર મહાનગરપાલિકાની ચુંટણી જીતીને કોર્પોરેટર બન્યા હતાં, આ પછી એમનો પરાજય થયો હતો અને ત્યારબાદથી સક્રિય રાજકારણમાં એમનું નામ પણ કયાંય જોવા મળતું નથી.
કોંગ્રેસના બીજા મોટા ગજાના અને પ્રદેશ કક્ષાના રાજકારણી એવા ભીખુભાઇ વારોતરીયાના જયેષ્ઠ પુત્ર મહેશભાઇ વારોતરીયા સક્રિય રાજકારણમાં રુચી ધરાવતા ન હોય એવું લાગે છે, જોકે એમના બીજા પુત્ર અનીલભાઇ વારોતરીયા રાજકીય કાર્યક્રમોમાં જોવા મળતા હોય છે આમ છતાં સક્રિય રાજકારણી તરીકે હજુ સુધી તેઓ પણ આગળ વઘ્યા નથી એટલે ભવિષ્યમાં તેઓ પિતાના પગલે રાજકારણમાં રહેશે કે કેમ એ હાલની તકે કહી શકાય નહિં.
એજ રીતે પૂર્વ કાનુન મંત્રી એમ.કે. બ્લોચના બે પુત્ર અને એક પુત્રીમાંથી કોઇ પણ રાજકારણમાં આવ્યા નથી, સક્રિય રાજકારણમાં એમના નામ પણ કયારેય સાંભળવા મળ્યા નથી.
જામનગર જિલ્લાના રાજકારણની વાત આવે એટલે લાલ પરિવારને કેમ ભુલી શકાય.., પૂર્વ બંદર મંત્રી સ્વ. હરીદાસ જીવણદાસ (બાબુલાલ)ના બે પુત્ર અશોક લાલ અને જીતુ લાલ વર્ષોથી રાજકારણમાં સક્રિય છે, બન્ને ભાઇ બબ્બે વખત વિધાનસભાની ચુંટણી લડી ચૂક્યા છે અને જયારે પણ ચુંટણી આવે ત્યારે બધાની નજર લાલ પરિવાર પર રહેતી હોય છે કે શું આ વખતે પણ એમના પરિવારમાંથી કોઇ ચુંટણીમાં ઝંપલાવશે.. જોકે પાછલી વિધાનસભાની ચુંટણીમાં આ પરિવાર ચુંટણી જંગ લડવાથી અળગો રહ્યો હતો, આ પરિવારના મિતેશ લાલ, ક્રિષ્નરાજ લાલ, વિરાજ લાલ અત્યારસુધી સક્રિય રાજકારણમાં જોવા મળ્યા નથી, મિતેશ લાલ રાજકારણમાં આવશે એવી વાતો ઘણી સાંભળી છે પરંતુ સક્રિયતા જોવા મળી નથી. આમ આ પરિવારના કુળદિપકો પણ પિતાના પગલે રાજકારણમાં આવે છે કે નહિં તે ભવિષ્ય ભાંખી શકાય તેમ નથી.
તાલુકા કક્ષાએ જોઇએ તો પૂર્વ ધારાસભ્ય કારુભાઇ ચાવડાના પુત્ર એજ રીતે પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ કણજારીયાના પુત્ર હાલ રાજકારણમાં સક્રિય જરુર છે પરંતુ જે રીતે પિતાના મોટા નામ હતાં એ કક્ષાએ હજુ પહોંચી શક્યા નથી.
ઓવરઓલ ચિત્ર જોતા અને જુના જોગીઓ થી લઇને આજ સુધીના રાજકારણીઓ પર નજર કરતા એવું દેખાય છે કે જામનગર જિલ્લામાં પરિવારવાદના આધારે રાજકારણ ચાલ્યું નથી, દ્વારકાની બેઠક અપવાદ જરુર છે કારણકે ત્યાં માણેક પરિવારનો અત્યારસુધી દબદબો છે અને કદાચ આગળ પણ જોવા મળી શકે, આ સીવાય કયાંક એવા દાખલા જોવા મળતા નથી કે જેના આધારે એવું કહી શકાય કે... પાપા કહેતે હે બડા નામ કરેગા... બેટા હમારા ઐસા કામ કરેગા...

***
માડમ પરીવારની જિલ્લાના રાજકારણ પર ગજબની પક્કડ
જામનગર જિલ્લાના રાજકારણ અને પરીવારવાદની વાત આવે ત્યારે માડમ પરીવારને કેમ વિસરી શકાય, કારણ કે કોઇપણ રણનીતિ હોય અથવા યોગાનુયોગ આ પરીવારનો હાલારના રાજકારણ પર ગજબનો દબદબો રહ્યો છે.
સ્વ.ઘેલુભાઇ રામભાઇ માડમ અને સ્વ.હેમતભાઇ રામભાઇ માડમ દ્વારા કહી શકાય કે, માડમ પરીવાર માટે રાજકારણમાં ઇમારતના પાયા નાખ્યા હતાં, સ્વ.ઘેલુભાઇ તો એવું નામ હતું કે જેમને સ્વ.વડાપ્રધાન ઇન્દીરા ગાંધી પોતે નામથી સંબોધન કરતા હતાં અને એ સમયે એમની સભામાં ઘેલુભાઇએ સવા લાખ લોકોને એકઠાં કર્યાનો પણ રેકર્ડ છે. આ જ રીતે સ્વ.હેમતભાઇ માડમ પણ રાજકારણમાં સફળ થયા હતાં, આ પછી માડમ પરીવારના વિક્રમભાઇ માડમ, પ્રવિણભાઇ માડમ દ્વારા પણ પ્રભુત્વ પ્રસ્થાપીત કરવામાં આવ્યા છે, વિક્રમભાઇ તો બે વખત સાંસદ અને બે વખત ધારાસભ્ય પદે પણ રહી ચૂકયા છે, તો એ જ રીતે પ્રવિણભાઇએ વિધાનસભાની ચૂંટણી જરુર લડી હતી પરંતુ વિજેતા બની શકયા ન હતાં, આ પછી માડમ પરીવારની મહીલા બ્રિગેડનો જાણે કાર્યકાળ શરુ થયો હોય એ રીતે પૂનમબેન માડમ સૌ પ્રથમ ખંભાળીયાની બેઠક પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતાં અને છેલ્લી બે ટર્મથી ૧૨-જામનગર લોકસભા બેઠકના સાંસદ તરીકે તેઓ કાર્યરત છે.
આ સિવાય નગરસેવક કેશુભાઇ માડમ, નગરસેવક કિશનભાઇ માડમ, નગરસેવિકા રચનાબેન નંદાણીયા (માડમ), એમના પૂર્વે પૂર્વ નગરસેવિકા અલ્કાબેન માડમ અને દેવભૂમિ દ્વારકામાં પણ પ્રવિણભાઇ માડમના સુપુત્રી મીતલબેન ગોરીયા પ્રમુખ તરીકે રહી ચૂકયા છે. અત્રે નોંધનીય છે કે, સ્વ.ઘેલુભાઇ માડમન ચાર પુત્રો પૈકી જયેષ્ઠ પુત્ર આનંદ માડમ દ્વારા એક વખત વિધાનસભાની ચૂંટણી લડવામાં આવી હતી, આ પછી એમણે અને ઘેલુભાઇના અન્ય સંતાનો સક્રિય રાજકારણની દુર રહ્યા છે, સ્વ.હેમતભાઇ માડમના સુપુત્રી એટલે કે પૂનમબેન માડમ સાંસદ તરીકે હાલમાં છે અને પિતાના વારસાને જાળવી રહ્યા છે.
માડમ પરિવારનો રાજકારણમાં દબદબો જરુર રહ્યો છે, પરંતુ આખો પરીવાર કોઇ એક જ પક્ષમાં હોય એવું બન્યું નથી, જેમ કે વિક્રમ માડમ કોંગ્રેસમાં તો પૂનમબેન માડમ ભાજપમાં એ જ રીતે નગરસેવકોમાં પણ કેશુભાઇ પહેલા કોંગ્રેસમાં હતાં અને હાલમાં ભાજપમાં છે, કિશનભાઇ પણ ભાજપમાં છે જયારે નગરસેવિકા રચનાબેન નંદાણીયા કોંગ્રેસમાં છે. એક વખત તેઓ પણ પક્ષ બદલી ચૂકયા છે.
આમ માડમ પરીવારે ભલે એક પક્ષમાં નહીં પરંતુ જુદા-જુદા પક્ષમાં રહીને જામનગરમાં રાજકારણ પર એક ગજબની પકડ પ્રસ્થાપીત કરી છે જેની નોંધ લેવી ઘટે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application