ખંભાળિયામાં ભારે વરસાદના પગલે રસ્તાઓ બન્યા જાણે મગરની પીઠ

  • September 02, 2024 11:22 AM 

તંત્ર દ્વારા તાકીદે નક્કર પગલાં લેવા નગરજનોની માંગ: વાહનચાલકો ત્રસ્ત



ખંભાળિયા શહેર સહિત સમગ્ર પંથકમાં આ સપ્તાહ દરમિયાન 38 ઈંચ જેટલો અતિભારે વરસાદ વરસી ચુક્યો છે. જેના પગલે અનેક રસ્તાઓ ખખડી ગયા છે. આ પરિસ્થિતિમાં વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે તંત્ર દ્વારા રસ્તા રીપેરીંગની કાર્યવાહી તાકીદે કરવામાં આવે તે માટેની માંગ નગરજનોમાં ઊઠવા પામી છે.


ખંભાળિયા શહેર તથા તાલુકામાં ગત રવિવારથી બુધવાર સુધીના સમયગાળા દરમિયાન અતિભારે કરી શકાય તેટલો 38 ઈંચ સુધીનો વરસાદ વરસી જવા પામ્યો છે. આ વરસાદના પગલે ખંભાળિયા શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓમાં તોતિંગ ગાબડાઓ પડી ગયા છે. ખાસ કરીને અહીંના નગર ગેઈટ, પોસ્ટ ઓફિસ રોડ, સ્ટેશન રોડ, ચાર રસ્તા વિગેરે વિસ્તારમાં રસ્તાઓનું જાણે નિકંદન નીકળી ગયું હોય તેવું જોવા મળે છે. આટલું જ નહીં, શહેર નજીકના હાઈવે વિસ્તારના માર્ગો પણ ક્ષતિગ્રસ્ત બન્યા છે. જેના કારણે રસ્તાના કામોમાં ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા પણ વ્યક્ત કરાઈ રહી છે.


આ પરિસ્થિતિમાં વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત વાહનોમાં મેન્ટેનન્સ વધવા તેમજ નાના-મોટા અકસ્માત થવાના બનાવો પણ બને છે. આ પરિસ્થિતિમાં નગરપાલિકા તેમજ સંબંધિત તંત્ર દ્વારા રોડ રીપેરીંગની કાર્યવાહી તાકીદે કરવામાં આવે તેમ સુજ્ઞ નગરજનો ઈચ્છી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application