જામનગર : આજે દિવાળીની ભવ્ય ઉજવણી: સાંજે ચોપડા પૂજન

  • October 20, 2025 01:21 PM 


દિવાળી એટલે પ્રકાશ અને ઉજાસનો તહેવાર, અંધકાર પર પ્રકાશનો જવલંત વિજયનું નામ જ દિવાળી, આજે બપોરે ૩:૪૬ સુધી કાળી ચૌદશ છે અને ત્યારબાદ દિવાળી શરૂ થશે, સાંજે ચોપડા પુજન ૭ થી ૮:૧૭ સુધી કરાશે, સમુદ્રમાંથી લક્ષ્મીજીનું પાર્દુભાવ થયો હતો અને ભગવાન રામે રાવણ ઉપર વિજય મેળવીને દિવાળીના દિવસે અયોઘ્યા પધાર્યા હતાં, ત્યારે જામનગર છેલ્લા ત્રણ-ચાર દિવસથી રોશનીથી ઝળહળી ઉઠયું છે, બજારોમાં ધોમ ખરીદીનો માહોલ છે, આજે રાત્રે જોરદાર ફટાકડા ફુટશે અને સાંજે દોઢ કલાકના શુભ મુર્હુતમાં વેપારીઓ પેનને મહાકાળીનું સ્વરૂપ ગણીને ચોપડા સાથે પુજન કરશે. આ વખતે રાત્રીના ૮:૧૭ સુધી હસ્ત નક્ષત્ર છે અને ત્યારબાદ ચિત્રા નક્ષત્ર છે તેથી આ દિવાળી ખુબ જ ઉત્તમ કહી શકાય. જામનગર ઉપરાંત દેવભુમિ દ્વારકા અને તમામ તાલુકા મથકોએ દિવાળીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે, કાળીયા ઠાકોરને દ્વારકામાં શીશ ઝુકાવવા ભકતો પહોંચી ગયો છે, ગોમતી નદીએ માનવ મહેરામણ ઉમટી પડયો છે ત્યારે આજે ભગવાન દ્વારકાધીશને વિશેષ શણગાર કરવામાં આવશે. 


જામનગર શહેરમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી દિવાળીનો માહોલ શરૂ થઇ ગયો છે, ભૂતકાળમાં કહેવત મુજબ પાંડવો ૧૪ વર્ષનો વનવાસ ભોગવી હસ્તીનાપુર આવ્યા હતાં, ભગવાન કૃષ્ણએ કાળી ચૌદશના દિવસે નર્કાસુરનો વધ કર્યો હતો અને ત્યારબાદ દિવાળી ઉજવી હતી, બ્રહ્મપુરાણમાં એવું લખ્યું છે કે, દિવાળીની રાત્રીએ લક્ષ્મીજી સ્વયં પધારે છે જેને કારણે લોકો ચોપડા પુજન કરે છે. જામનગરમાં કોમ્પ્યુટર યુગમાં પણ વેપારીઓ ચોપડાનું પુજન કરી રહ્યા છે અને ત્યારબાદ મીઠાઇ વેંચી ફટાકડા ફોડે છે. 


દિવાળીમાં ચોપડાનું મહત્વ ઘટયું છે એ સાચી વાત છે, પરંતુ હજુ પણ વેપારીઓ મુર્હુત સાચવવા અને શાસ્ત્રોકત વિધી પ્રમાણે ચોપડાનું પુજન કરે છે. સાંજે ૭ થી ૮:૧૭ સુધી ચોપડાની સાથે મહાસરસ્વતી, મહાલક્ષ્મીનું પુજન કરવામાં આવે છે અને મહાલક્ષ્મીની કૃપાથી વેપાર સવાયો થાય છે તેવી પણ એક કહેવત છે. જામનગર શહેરમાં ખરીદીનો માહોલ બરાબર જામી રહ્યો છે, કેટલાક કર્મચારીઓના પગાર અને બોનસ સમયસર અને ટાઇમે થઇ જતાં તેઓએ દિવાળીનો લાભ લીધો છે. ખાસ કરીને એક મહીનામાં ફોરવ્હીલ વધુ વેંચાયા છે, એક અંદાજ મુજબ જામનગર શહેરમાં જ ૬૦૦થી વધુ ફોરવ્હીલનું વેંચાણ થયું છે જયારે ટુ-વ્હીલર અને અન્ય વાહનો પણ મોટા પ્રમાણમાં વેંચાયા છે. 

​​​​​​​

જામનગર શહેરમાં કોર્પોરેશનની કચેરી, તળાવની પાળ, ભુજીયો કોઠો, કલેકટર કચેરી તેમજ કેટલીક મોટી બિલ્ડીંગો ઉપર પણ રોશનીનો ઝગમગાટ જોવા મળ્યો છે, ગયા વર્ષ કરતા જીએસટી ઘટયો હોવા છતાં ડ્રાયફ્રુટનો ભાવ ૨૨ થી ૨૫ ટકા વઘ્યો છે, પરંતુ તેની એટલી જ બોલબાલા છે, એવી જ રીતે વિવિધ મીઠાઇ અને માવાના ભાવમાં ૨૫ થી ૩૦ ટકા વધારો થયો હોય છતાં પણ લોકો હોંશે-હોંશે ખરીદે છે. ઇલેકટ્રીક આઇટમોનું ધોમ વેંચાણ છે, મોબાઇલમાં સ્ક્રેચ કાર્ડ અને અલગ-અલગ સ્કીમ હોવાથી વધુ વેંચાય છે, તેવી રીતે રેડીમેઇડ કપડા પણ ગઇકાલે મોડી રાત સુધી વેંચાઇ રહ્યા હતાં. 


આવતીકાલે ધોકો છે એટલે કે લોકોને આરામનો મોકો મળશે અને બુધવારે નવું વર્ષ તેમજ રવિવારે લાભ પાંચમનો દિવસ છે, આ વખતે જીએસટી ઘટતાં ઇલેકટ્રીક આઇટમો સહિત અનેક ચીજવસ્તુઓ સસ્તી થઇ છે જેને કારણે બજારમાં રૂપીયો ફરતો થયો છે, દિવાળીનું મહત્વ ખુબ જ વધારે છે અને હજુ બે-ત્રણ દિવસ લોકો તહેવારો ધામધૂમથી ઉજવશે. 


દ્વારકામાં કાળીયા ઠાકોરને મનાવવા હજારો ભકતોએ કર્યો કૃષ્ણનાદ

છેલ્લા બે-ત્રણ દિવસથી દર વખતની જેમ દ્વારકા નગરીમાં માનવ મહેરામણ ઉમટી પડયો છે, દિવાળી અને ભાઇબીજના દિવસે પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરવાનો મહીમા છે, હોટલ અને ધર્મશાળાઓમાં પણ અગાઉથી જ બુકીંગ થઇ ગયા છે, ભગવાન દ્વારકાધીશને અનેરો શણગાર કરવામાં આવ્યો છે, જય રણછોડ માખણચોરનો નાદ સંભળાઇ રહ્યો છે, જો કે આજ સવારથી કૃષ્ણભકતો દ્વારકાધીશને નમન કરી રહ્યા છે, ત્યારે દેવભુમિ દ્વારકા જિલ્લામાં પણ દિવાળી ધામધૂમપૂર્વક ઉજવાઇ રહી છે. ​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application