૨૫૦ જેટલી ગીર ગાયોનું પરિવારની જેમ જતન કરતાં ગૌ સેવકનું દિલ્હી ખાતે સન્માન

  • January 25, 2024 12:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના ગૌશાળા સંચાલકને દિલ્હી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ઉપસ્થિત રહેવા વિશેષ આમંત્રણ: સરકારની આર્થિક સહાયથી આજે ગૌ સેવાની સાથે એક નવીન વ્યવસાય સ્થાપવામાં પણ મને સફળતા મળી-ધર્મેન્દ્રભાઈ કારાવદરા

ગૌ સંવર્ધન ક્ષેત્રે અદકેરું કામ કરનાર જામનગરના ગૌશાળા સંચાલક અને ભારત સરકાર દ્વારા ગોપાલ રત્ન એવોર્ડથી સન્માનિત ધર્મેન્દ્રભાઈ કારાવદરાને ભારત સરકાર દ્વારા આગામી ૨૬ જાન્યુઆરીના રોજ દિલ્હી ખાતે યોજાનાર પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય ઉજવણીમાં અતિથિ વિશેષ તરીકે સહભાગી થવા આમંત્રણ અપાયું છે. આ માટે ધર્મેશભાઈએ ભારત સરકાર તથા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો અંત:કરણ પૂર્વક આભાર વ્યક્ત કરતા સહર્ષ જણાવ્યું છે કે ગૌ સેવાનું મને મળેલું આ શ્રેષ્ઠતમ ફળ છે. જામનગરના મિયાત્રા ગામે સરિતા ગીર ગૌ સંવર્ધન કેન્દ્રના સ્થાપક ધર્મેન્દ્રભાઈ અહીં પોતાની ગૌશાળા ચલાવે છે અને પોતાની આ ગૌ શાળામાં ૨૫૦ જેટલી ગીર ગાયોની વિશેષ માવજત અને સંવર્ધન કરે છે.
***
પરિવારના સભ્યની જેમ જ ગાયોની થતી માવજત
ધર્મેન્દ્રભાઈ જણાવે છે કે અમારી ગૌ શાળાની તમામ ગાય એ અમારા માટે અમારો પરિવાર છે.ગાયોને ઉનાળામાં ગરમી ન લાગે તે માટે અંદાજિત નવ ડિગ્રી જેટલું તાપમાન ઓછું રહે તે પ્રકારના વિશેષ સેડ તૈયાર કરવામાં આવ્યા છે.ગાભણ ગાયો માટે એક અલાયદી જગ્યાની વ્યવસ્થા છે જ્યાં તેમના ખાન પાન વગેરેની વિશેષ કાળજી લેવાય છે. ગાયોને માખી મચ્છરની કનડગત ન રહે તે માટે તમામ સ્થળોએ મોસ્કીટો કિલર મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.ગાયો માટે આપમેળે પાણી ભરાઈ જાય તે પ્રકારની ખાસ કુંડીઓ ઉભી કરવામાં આવી છે. અહીં દરેક ગાયનો ડેટા જનરેટ કરવામાં આવે છે અને તેનો અભ્યાસ કરવામાં આવે છે. ગૌમૂત્ર એકત્ર કરવા માટે ૧૬ કુંડીઓ બનાવવામાં આવી છે જે ગૌમૂત્ર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે ઉપયોગમાં લેવાય છે.
***
હોટલના રૂમબોયને સરકારની સહાયથી નવી પાંખો મળી
ધર્મેન્દ્રભાઈ જણાવે છે કે હું પોરબંદર ખાતેની એક હોટલમાં રૂમ બોય તરીકે કામ કરતો. અમારા પરિવારની આર્થિક સ્થિતિ અતિ સામાન્ય હતી, આવા સમયે એકાદ વર્ષની મને માંદગી આવી, તપાસ કરતા જણાયું કે ભેળસેળ વાળા દૂધથી આ સમસ્યાઓ થઈ રહી છે. જેથી ઘરમાં એક ગાય વસાવવાનું નક્કી કર્યું અને ત્યારબાદ ગાય પ્રત્યેની લાગણી એવી વધી કે બાપ દાદાની મિલકત વહેંચીને ગૌ પાલનને એક વ્યવસાય તરીકે આગળ વધારવાની નેમ લીધી. ભારત સરકાર દ્વારા મને વર્ષ ૨૦૧૭ માં ગોપાલ રત્ન એવોર્ડથી સન્માનિત કરાતા મારો ઉત્સાહ ઔર વધ્યો.
***
સરકાર દ્વારા રૂ.બે કરોડની સબસીડી મંજૂર કરવામાં આવી
ધર્મેન્દ્રભાઈ જણાવે છે કે મારો આ ઉધમ વધુ વિકસે તે માટે તાજેતરમાં જ સરકાર દ્વારા મને રૂ.બે કરોડની સબસીડી મંજૂર કરવામાં આવી જે મારા જેવા નાના માણસ પરનો સરકારનો ભરોસો અને ગૌ સંવર્ધન ક્ષેત્રે સરકારની દ્રઢ મક્કમતાના દર્શન કરાવે છે. બે કરોડ જેટલી માતબર રકમ ડિજિટલ પેમેન્ટના માધ્યમથી અને ખૂબ જ પારદર્શિતાથી ધર્મેન્દ્રભાઈને પ્રાપ્ત થતાં તેઓએ સરકારની આ પહેલને બિરદાવી છે.
***
ગૌ શાળાના માધ્યમથી અનેક ઉત્પાદનોના વેચાણનું આયોજન
આ ગૌ શાળાના માધ્યમથી હાલ ધર્મેન્દ્રભાઈ દૂધ, ઘી, સેન્દ્રીય ખાતર, ગૌ મૂત્ર વગેરેનું વેચાણ કરી રહ્યા છે જ્યારે આગામી સમયમાં ધૂપ, દીવા, અગરબત્તી પનીર વગેરેના વેચાણનું તેઓ દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application