આખરે ખંભાળિયા પાલિકામાં જનરલ બોર્ડ સહિતની બાબતે કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં સંકલન સધાયું

  • September 27, 2024 12:09 PM 

વિકાસ કાર્યો તેમજ સામાન્ય સભાની કાર્યવાહી કરાશે



ખંભાળિયા નગરપાલિકામાં ચાલી રહેલી આંતરિક સખળ-ડખળ તેમજ વાદ-વિવાદ વચ્ચે છેલ્લા સાતેક માસથી સામાન્ય સભા ન બોલાવતા તેમજ પાલિકામાં રહેલી આશરે રૂપિયા 6 કરોડથી વધુની ગ્રાન્ટ વણ વપરાયેલી રહેતા આમ મુદ્દો ભારે ચગ્યો છે. આ બાબતે અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી દ્વારા ગઈકાલે ખાસ બેઠક યોજીને સંકલન સધાયું હતું.


નગરપાલિકામાં સામાન્ય રીતે દર ચાર મહિને એક જનરલ બોર્ડની મીટીંગ બોલાવી અનિવાર્ય છે. ત્યારે ખંભાળિયા નગરપાલિકામાં ગત માર્ચ માસમાં જનરલ બોર્ડ યોજાઈ હતી. ત્યાર પછી છેલ્લા સાતેક માસથી કોઈ કારણોસર આ બેઠક બોલાવાઈ ન હતી. જનરલ બોર્ડની બેઠક માટે તાજેતરમાં બોલાવવામાં આવેલી સંકલન બેઠકમાં ભાજપના 26 માંથી અડધાથી વધુ સભ્યો ગેરહાજર રહ્યા હતા. પાલિકા કાઉન્સિલરોમાં આંતરિક સંઘર્ષ તેમજ અધિકારીઓ વચ્ચે ચાલતા વાદ-વિવાદ અને ઘર્ષણના કારણે અહીંનું રાજકારણ ગરમી ભર્યું બની રહ્યું છે. જેના ફળ સ્વરૂપે નગરપાલિકામાં રહેલી આશરે રૂપિયા સાડા છ કરોડ જેટલી જંગી રકમ વિકાસ કાર્યોમાં વપરાયા વગરની પડી રહી છે.


જનરલ બોર્ડ ન મળતા વિકાસના કામો નક્કી થયા નથી. જેના કારણે લોકોને નગરજનોને વ્યાપક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતને લઈને અહીંના ધારાસભ્ય તથા કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા અને શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્નાના વડપણ હેઠળ ગુરુવારે બપોરે અહીંની એક હોટલ ખાતે ખાસ સંકલન બેઠક બોલાવવામાં આવી હતી.

આ બેઠકમાં ભાજપના મોટાભાગના સભ્યો તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આ બાબતે બે કલાક સુધી સંકલનના મુદ્દાઓની ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, જિલ્લા મહામંત્રી રસિકભાઈ નકુમ, પ્રભારી નિમિષાબેન નકુમ, ગીતાબા જાડેજા વિગેરેની ઉપસ્થિતિમાં જનરલ બોર્ડમાં એજન્ડામાં લેવાના 40 જેટલા મુદ્દાઓની ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી. સાથે આગામી દિવસોમાં તમામ પડતર પ્રશ્નો ઉકેલાઈ જાય તે બાબત વચ્ચે નજીકના ભવિષ્યમાં જનરલ બોર્ડની બેઠક યોજાશે તે માટેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જેથી હવે પડતર વિકાસ કાર્યોને લાગી ગયેલી બ્રેક પછી હવે મુલતવી રહેતા કામો હાથ ધરાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application