જામનગર સહીત રાજયભરમાં શિક્ષકોને બીનશૈક્ષણીક કામગીરી ન સોપવા સંયુકત શિક્ષણ નિયામક દ્રારા પરિપત્ર જાહેર કરાયો છે. પરંતુ ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળાની જેમ બીએલઓ સહીતની અન્ય કામગીરીના ભારણથી બાળકોનું શિક્ષણ બગડી રહ્યાની રજૂઆતોની ભરમાર બાદ આ પરિપત્ર કરાયો છે. જો કે, આ પરિપત્રમાં રાષ્ટ્રહીતના કામની છટકબારી રાખવામાં આવી છે. બાળકોને ભણાવવા કે મતદાર યાદી ખાસ સઘન સુધારણા તથા અન્ય ઉજવણી અને કાર્યક્રમોના આયોજનો અને કામગીરી કરવી તેની અવઢવમાં રહેતા શિક્ષકોની હાલત દયનીય બની છે.
રાજયની પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીના સંયુકત શિક્ષણ નિયામક દ્રારા તા.૧૧ ફેબ્રુઆરીના જામનગર સહીત રાજયના તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાસનાધિકારીને પ્રાથમિક શિક્ષકો અને વિધાસહાયકખો પાસેથી રાષ્ટ્રહીત માટે જરૂરી હોય તે સિવાયની બીન શૈક્ષણીક કામગીરી ન લેવા સંબધે પરિપત્ર કરવામાં આવ્યો છે. જેમાં જણાવ્યાનુસાર વિવિધ સંઘ અને રજૂઆતકર્તા દ્રારા પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણીક કામગીરી કરતા શિક્ષકોને પ્રાથમિક શિક્ષણની કામગીરી અવરોધાય અને બાળકોના શિક્ષણને વિપરીત અસર થાય તે રીતે શિક્ષણ સિવાયની કામગીરી શિક્ષકની સંમતિ વગર ફરજ ન પાડવા અને સુપ્રિમ કોર્ટના હુકમ, આરટીઇ એકટ-૨૦૦૯નું અસરકારક અમલીકરણ કરાવવા તેમજ બીએલઓ તથા બીએલઓ સુપરવાઇઝરને મતદાર યાદીની ખાસ સઘન કામગીરી માટે અન્ય કામગીરીથી સંપૂર્ણ મુકિત આપવાની રજૂઆતો મળી છે. આ બાબતે જણાવવાનું કે, શિક્ષણ વિભાગના સંદર્ભ-૧ પરિપત્રથી પ્રાથમિક શિક્ષકો અને વિધાસહાયકો પાસેથી રાષ્ટ્રહીત માટે જરૂરી હોય તે સિવાયની બીન શૈક્ષણીક કામગીરી નહીં લેવા બાબતે જરૂરી સૂચના પ્રસિઘ્ધ કરવામાં આવી છે. આ પરિપત્રથી પ્રસિઘ્ધક કરવામાં આવેલી સૂચનાઓનું અસરકારક અમલીકરણ થાય તે સુનિશ્ર્ચિત કરવા જણાવાયું છે. પરંતુ આ પરિપત્રનો અગાઉના પરિપત્રની જેમ અમલ થશે કે કેમ તે એક સવાલ છે.
બીજી બાજુ આરટીઇ એકટમાં સ્પષ્ટ જોગવાઈ કરેલ જ છે કે રાષ્ટ્રીય કામગીરી સિવાય ની કામગીરી શિક્ષકોને ન સોંપવી છતાં સહિતની અનેકવિધ કામગીરી માં શિક્ષકોને ફરજિયાત જોતરવામાં આવે છે. કથળેલા શિક્ષણના ડેમેજ કંટ્રોલ માટે કરવામાં આવેલા પરિપત્રનો અમલ થશે કે લોલીપોપ પુરવાર થશે તે જોવાનું રહ્યું. પરિપત્રમાં સંઘોની રજૂઆત નો ઉલ્લેખ કરાયો છે. ત્યારે શુંં યુનિયન રજૂઆત કરે તો જ શિક્ષણ સુધારણાની સરકારને જરૂરિયાત સમજાય તે સવાલ પણ ઉઠ્યો છે. ૨૦૧૧ ના પરિપત્રનો અમલ કરવાની સૂચના ૨૦૨૬ માં ફરી કરવા પરિપત્ર કરે છે તેનાથી સ્વયં સ્પષ્ટ છે કે પરિપત્રો ની અમલવારી થતી નથી, થઈ નથી ત્યારે વધુ એક પરિપત્રથી તેનો અમલ થાય તેવું દૂર દૂર સુધી દેખાતું નથી.
શિક્ષણ સમિતિના કર્મીઓની વાસ્તવિક અને ઓનલાઈન પોર્ટલમાં એરીયર્સની રકમમાં વિસંગતતાની ફરિયાદો
જામનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કર્મચારીઓની ઓકટોબર-૨૦૨૫ માં બેંક ખાતામાં જમા થયેલા મોંધવારી એરીયર્સની રકમ કરતા કર્મચારીઓના પોર્ટલ પરના ઓનલાઈન વાર્ષિક ઈન્કમ ટેક્સ ગણતરી પત્રક અને પગારપોથીમાં પણ તે રકમ ઓછી દર્શાવામાં આવતા એટલે કે જમા થયેલ વાસ્તવિક રકમ અને ઓનલાઈન પત્રકની રકમમાં વિસંગતતા જોવા મળી રહ્યાની ફરિયાદો ઉઠી છે. આશ્ર્ચર્યની વાત તો એ છે કે કર્મચારીઓના ઈન્કમટેક્સ રિટર્નના કાર્યો કરતા એડવોકેટ્સ અને ચાર્ટર્ડ એકાઉટન્ટસ જેવા પ્રોફેશનર્સના ધ્યાને આ બાબત પડી છે કે તે રકમ વાસ્તવિક કરતા ઓછી દર્શાવવાથી કર્મચારી દ્વારા એટલો ઓછો ઈન્કમટેક્સ જમા થાય. પરંતુ શાળાઓના આચાર્યો કે જેઓના પ્રમાણપત્રને આધારે કર્મચારીઓને ફોર્મ-૧૬ અપાવાનું છે તેઓના ધ્યાનમાં આ વાત આવી નથી કે ઓેછી અને પોર્ટલની રકમને જ આખરી ગણીને એરીયર્સની મળેલ રકમ સાચી જ દર્શાવી તેવા પ્રમાણપત્ર આપ્યામાં આવ્યા છે તે પણ તપાસનો વિષય બન્યો છે.
ઉત્સવ, મેળા, ઓનલાઇન અને શાળા બહારની કામગીરીની હારમાળાથી શિક્ષણ ખાડે
પરખના સર્વેક્ષણમાં ગુજરાતના શિક્ષણની પોલ ખુલ્લી થઈ અને રાષ્ટ્રીય સ્તરે ફજેતી થયા પછી આ પરિપત્રથી ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવી કાર્યવાહી પુરવાર થઇ છે. શિક્ષકોને ભણાવવા સિવાય એકપણ કામગીરી સોંપવામાં ન આવે અને રોજેરોજ ઉત્સવો અને અખતરાઓ બંધ કરે તો દસ વર્ષે સુધારો પરિણામમાં જોઈ શકાય. શિક્ષણ ધીમી પ્રક્રિયા છે. રાતોરાત સુધરે નહીં અને રાતોરાત બગડી પણ નથી.પરંતુ વર્ષોથી શિક્ષણમાં ઉત્સવો, મેળાઓ, અખતરાઓ અને પાર વગરની ઓનલાઈન કામગીરીઓ, શાળા બહારની કામગીરીઓના કારણે સમગ્ર રાજ્યનું શિક્ષણ ખાડે ગયું છે