ભારત-ન્યુઝીલેન્ડ ફાઈનલનો ક્રેઝ, ટિકિટોનું બ્લેક માર્કેટિંગ ચરમસીમાએ; 2 હજારની ટિકિટના 15 હજાર બોલાયા, સોશિયલ મીડિયામાં ધૂમ કાળાબજારી

  • March 07, 2026 01:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી 8 માર્ચના રોજ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T- 20 વર્લ્ડ કપની હાઈ-વોલ્ટેજ ફાઈનલ મેચ રમાવા જઈ રહી છે. આ મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ આ ક્રેઝનો ગેરફાયદો ઉઠાવીને ટિકિટોનું કાળું બજાર (બ્લેક માર્કેટિંગ) જોરશોરથી શરૂ થઈ ગયું છે. ટિકિટોની અછતનો લાભ લઈને એજન્ટો સામાન્ય ચાહકો પાસેથી તગડી રકમ વસૂલી રહ્યા છે.


સામાન્યથી લઈને લક્ઝુરિયસ ટિકિટોના ભાવમાં તોતિંગ વધારો

મેચ જોવાની ઘેલછામાં અનેક લોકો ઊંચા ભાવે પણ ટિકિટ ખરીદવા મજબૂર બન્યા છે. ટિકિટના કાળા બજારના જે આંકડાઓ સામે આવ્યા છે તે ચોંકાવનારા છે. જે ટિકિટની મૂળ કિંમત રૂ. 2,000 છે, તે સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા રૂ. 15,000 સુધીમાં વેચાઈ રહી છે.


લક્ઝુરિયસ પ્રેસિડેન્ટ ગેલેરીની ટિકિટના ભાવ તો રૂ. 1.50 લાખ જેવી અધધ કિંમતે બોલાઈ રહ્યા છે. એજન્ટોનું માનવું છે કે મેચના કલાકો જેમ નજીક આવશે તેમ આ ભાવમાં હજુ પણ તોતિંગ વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે.


કાળા બજારિયાઓ સક્રિય: મૂળ ભાવ કરતા 6થી 10 ગણો વધારો

અમદાવાદમાં અત્યારે સત્તાવાર રીતે ટિકિટો ઉપલબ્ધ નથી, જેના કારણે કાળા બજારિયાઓ મેદાનમાં આવ્યા છે. આ એજન્ટોએ અગાઉથી જ ટિકિટોનો સંગ્રહ કરી લીધો હતો અને હવે તે બજારમાં બ્લેકમાં વેચી રહ્યા છે. એક મીડિયા અહેવાલ (દિવ્ય ભાસ્કર) અનુસાર, એજન્ટો સાથેની વાતચીતમાં ખુલાસો થયો છે કે ટિકિટોના મૂળ ભાવ કરતા 6થી 10 ગણા વધુ ભાવ લેવામાં આવી રહ્યા છે.


ચાહકોમાં નિરાશા છતાં મેચ જોવાની જીદ

ટિકિટોના આ આસમાને પહોંચેલા ભાવોને કારણે સામાન્ય ક્રિકેટ ચાહકોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. મધ્યમ વર્ગના ચાહકો માટે સ્ટેડિયમમાં જઈને ફાઈનલ જોવી હવે આર્થિક રીતે મુશ્કેલ બની રહી છે. આમ છતાં, ભારત અને ન્યુઝીલેન્ડ જેવી ટીમો વચ્ચેની ટક્કર અને વર્લ્ડ કપ જીતવાની આશાને કારણે અનેક લોકો ગજવું ખાલી કરીને પણ ટિકિટ મેળવવા મથામણ કરી રહ્યા છે. સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા આવા કાળા બજારિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે, જેથી સાચા ક્રિકેટ ચાહકોને અન્યાય ન થાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application