સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં દેવભુમિ દ્વારકાની નગરપાલીકામાં મતદાન પહેલા જ ભાજપે ૯ બેઠકો પર કબ્જો કરી લીધો છે, કારણ કે આ તમામ બેઠકો બિનહરીફ થઇ છે, અત્રે નોંધનીય છે કે, આ નગરપાલીકા ભાજપના ગઢ સમાન છે, અહીં મુખ્ય રાજકીય હરીફ પક્ષ કોંગ્રેસને તમામ ૨૮ બેઠકો પર ઉમેદવાર પણ મળ્યા નથી અને જે રીતે ચૂંટણી આગળ વધી રહી છે તેના પરથી એવું સ્પષ્ટ લાગે છે કે, દ્વારકા ન.પા. પર કેસરીયો રાજ યથાવત રહેશે.
ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ સામે આવેલા ચીત્ર મુજબ ૨૮ ડમી ઉમેદવારી પત્ર રદ થયા બાદ કુલ ભરાયેલા ૮૭માંથી હવે ૫૯ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે તેમાં પણ આજે કેટલા ઉમેદવારી પત્રો પાછા ખેંચાય જાય છે, તેના પછી ચીત્ર વધુ સ્પષ્ટ થઇ જશે.
બીજી બાજુ બિનહરીફ થવાનો સીલસીલો યથાવત રહ્યો છે, દ્વારકાના વોર્ડ નં.૪ની તમામ ૪ બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે, વોર્ડ નં.૩માં ૩ ઉમેદવાર બિનહરીફ થયા છે, જયારે વોર્ડ નં.૬ અને ૭માં પણ એક-એક ઉમેદવાર બિનહરીફ થઇ જતાં તા.૧૬મી એ થનારા મતદાન પુર્વે જ કુલ ૨૮ બેઠકમાંથી ૯ બેઠક પર ભાજપ બિનહરીફ થઇ ગયું છે, આમ આ નગરપાલીકા પર અત્યારથી ભાજપનો ભગવો યથાવત રહેવાના સ્પષ્ટ સંકેતો મળી ગયા છે.