દરેડમાં મસાલાના મામલે દુકાનદાર પિતા-પુત્ર પર હુમલો

  • February 05, 2024 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક યુવાનની હત્યાની કોશિષ : બંને જુથ વચ્ચે તકરારમાં ત્રણને ઇજા : સામસામી પોલીસ ફરીયાદ

જામનગર નજીક દરેડ શિવમપાર્ક વિસ્તારમાં પાનની દુકાને મસાલો લેવા બાબતે અને પૈસાના પ્રશ્ર્ને માથાકુટ થઇ હતી, દુકાનદાર અને મસીતીયાના શખ્સ વચ્ચે તકરાર થયા બાદ મારામારી થતા મામલો પોલીસમાં પહોચ્યો હતો, એકબીજાને ધોકા, પાઇપથી માર માર્યાની સામ સામી ફરીયાદ કરવામાં આવી છે જેમાં એક યુવાનની હત્યાની કોશિષ કર્યાનું બહાર આવ્યું છે.
જામનગરના વસંતવાટીકા શેરી નં. ૭માં રહેતા વેપારી નિરજ નરેન્દ્રભાઇ નાખવા (ઉ.વ.૪૪)ની દરેડ શિવમપાર્ક-૨, પ્લોટ નં. ૪૧ ખાતે આવેલી હિંગળાજ એન્ટરપ્રાઇઝ નામની પાન મસાલાની દુકાને હારુન નામનો શખ્સ ગયો હતો, અને મસાલો લીધો હતો જેના ફરીયાદી પૈસા માંગતા આરોપીએ પૈસા નહીં આપી ધંધો કરવો હોય તો હપ્તાની માંગણી કરી હતી જેથી ફરીયાદીએ તેને મસાલાના પૈસા ચુકવવા અને હપ્તો ન આપવાનું કહેતા આરોપીએ ધોકા વડે નિરજભાઇ તથા સાહેદને માર માર્યો હતો.
ત્યારબાદ અન્ય આરોપીને ફોન કરી ત્યાં બોલાવતા શખ્સો બે મોટરસાયકલમાં પાઇપો લઇને ઘસી આવી તમામે ફરીયાદી પાસેથી બળજબરીથી પૈસા કઢાવવા અને મારી નાખવાના ઇરાદે જીવલેણ હુમલો કરી ફરીયાદીના દિકરા સાહેદને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોચાડી હતી.
નિરજભાઇ દ્વારા આ બનાવ અંગે પંચ-બીમાં ગઇકાલે મસીતીયા વાડી વિસ્તારમાં રહેતા હારુન હાસમ ખફી, આસીફ ફકીરમામદ ખફી, હાજી અબ્બાસ ખફી તથા બોદુ ગફાર ખફીની વિરુઘ્ધ આઇપીસી કલમ ૩૦૭, ૩૨૩, ૩૮૪, ૧૧૪ અને જીપીએકટ ૧૩૫(૧) મુજબ ફરીયાદ નોંધાવી હતી.
સામા પક્ષે મસીતીયા વાડી વિસ્તારમાં રહેતા હારુન હાસમ ખફી (ઉ.વ.૩૪) એ નિરજ નરેન્દ્ર નાખવા તથા મિત નિરજ નાખવાની વિરુઘ્ધ આઇપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૧૧૪ મુજબ ફરીયાદ નોંધાવી હતી કે, ગઇકાલે દરેડ શિવમ પાર્કમાં આરોપીની દુકાને ફરીયાદી તેમનું બાઇક લઇને મસાલો લેવા આવ્યો હતો ત્યારે આરોપીએ ફરીયાદીને તેનું મોટરસાયકલ દુર પાર્ક કરી આવવાનું કહેતા અને આમ નહીં કરતા મસાલો આપ્યો ન હતો તેમજ આરોપીઓ વચ્ચે મારામારી, બોલાચાલી, તકરાર થઇ હતી, દરમ્યાન નિરજે દુકાનમાંથી કોઇ ચિજ ઉપાડી ફરીયાદીને માથાના ભાગે ઘા ઝીંકી શરીરે મુંઢ ઇજા પહોચાડી હતી.
***
ધ્રોલના માર્કેટિંગ યાર્ડના કપાસના કમીશન એજન્ટ સાથે ઝપાઝપી કરી ધમકી અપાઈ: હાડાટોડા ના શખ્સ સામે ફરિયાદ

જામનગર જિલ્લાના ધ્રોલમાં માર્કેટિંગ યાર્ડમાં હાજર રહેલા કમિશન એજન્ટ ને કપાસ ના વેચાણના મામલે હાડા ટોડા ગામના એક શખ્સે કમિશન એજન્ટ સાથે  ઝપાઝપી કરી, જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.
ધ્રોલમાં તાલુકાના મોટા ઈટાળા ગામમાં રહેતા અને ધ્રોલ માર્કેટીંગ યાર્ડમાં કમિશન એજન્ટ તરીકે કામ કરતા કેસુભાઈ ડાયાભાઈ પટેલે પોતાની સાથે કપાસના વેચાણના મામલે ઝઘડો કરી ઝપાઝપી કરી હતી, અને ફરીથી પોતાના ખેડૂતના વેચાણમાં વચ્ચે પડશે, તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપવા અંગે હાડાટોડા ગામના વિજયસિંહ બાબભા જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે. જેમામલે ધ્રોળ પોલીસે ગુન્હો નોંધી આરોપીની શોધ ખોળ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application