કાળીપાટ નજીક અકસ્માતમાં ઈજાગ્રસ્ત વધુ એક યુવકનું મોત મૃત્યુઆંક બે થયો
કાળીપાટ નજીક અકસ્માતમાં ઈજાગ્રસ્ત વધુ એક યુવકનું મોત મૃત્યુઆંક બે થયો
May 07, 2026 10:12 PM
રાજકોટ-ભાવનગર હાઈવે પર કાળીપાટ ગામ નજીક આઠેક દિવસ પૂર્વે રાત્રીના પીકઅપ વાન પલ્ટી મારી જતા એક આધેડનું મોત નીપજ્યું હતું જયારે બાળકો સહીત નવ વ્યકિતને ઈજા થતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં ગત રાત્રે ઈજાગ્રસ્ત યુવકનું ચાલુ સારવાર દરમિયાન મોત થતા મૃત્યુ આંક બે થયો છે. પ્રાપ્ત વિગત મુજબ ગત તા. ૧ના ભાડલાથી પીકઅપ વાહનમાં દૂધના કેન સાથે બાળકો સહીત ૧૧ જેટલા વ્યક્તિઓ રાજકોટ તરફ આવી રહ્યા હતા. ત્યારે રાત્રીના કાળીપાટ ગામ પાસે અચાનક કારના ચાલકે યુ-ટર્ન લેતા તેને બચાવવા જતા પીકઅપ વાનના ડ્રાઈવરે સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા પલ્ટી મારી ગયું હતું. જેમાં ભીમાભાઈ અમરશીભાઈ મકવાણા નામના આધેડનું ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઉપરાંત બાળકો સહીત ૧૦ જેટલા વ્યક્તિને ઇજા થતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં સારવારમાં રહેલા સુરેશભાઈ ઉઘરેજીયાનું રાત્રીના મૃત્યુ થતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવના પગલે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે.