અસામાજીક તત્વો સામે પોલીસની કડક કાર્યવાહી : તાજેતરમાં ૩ શખ્સ પાસાના પાંજરે પુરાયા
જામનગર શહેર-જીલ્લામાં અસામાજીક તત્વો અને બુટલેગરો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે, તાજેતરમાં ૩ સામે પગલા લીધા બાદ વધુ એક શખ્સને પાસા હેઠળ જેલ હવાલે કરાયો છે, અહીંના નવાગામ ઘેડમાં રહેતા અને શરીર સબંધી બે ગુનામા સંડોવાયેલ શખ્સને વડોદરા જેલમાં મોકલી અપાયો છે.
રેન્જ આઇજી અશોકકુમાર યાદવએ જામનગર જીલ્લામાં પ્રોહી બુટલેગર્સ, જાણીતા જુગારી તથા અસામાજીક ઇસમો પર કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જેથી જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ પાસા દરખાસ્ત તૈયાર કરવા એલસીબી પીઆઇ વી.એમ. લગારીયા તથા સીટી-બી પીઆઇ પી.પી.ઝાને સુચના કરી હતી. જે અન્વયે સીટી-બી ડીવીઝનના પીએસઆઇ એમ.વી. મોઢવાડીયા તથા એએસઆઇ મુકેશસિંહ રાણા, કોન્સ વિપુલ ગઢવી દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષક મારફત જીલ્લા મેજીસ્ટ્રેટ કે.બી. ઠકકરને મોકલી આપી હતી.
જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પાસા વોરન્ટ ઇસ્યુ કરતા આ પાસા વોરન્ટની બજવણી એલસીબીના શરદ પરમાર, હિરેન વરણવા અને સુરેશ માલકીયાએ કરી હતી, દરમ્યાન નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા અને શરીર સબંધી બે ગુનામા સંડોવાયેલા રોહીત વિશાલ ઉર્ફે સદામ શીંગાળા નામના ઇસમની અટકાયત કરીને વડોદરા મઘ્યસ્થ જેલ મોકલી આપવાની કાર્યવાહી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ૩ શખ્સો સામે પાસા વોરન્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.