પોરબંદરમાં અદાણી ગેસની પાઇપલાઇનથી રોડને થયો ગેસ!

  • May 16, 2025 04:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બે દિવસ પહેલા પોરબંદરમાં અદાણી સી.એન.જી. ગેસ દ્વારા સી.એન.જી. સ્ટેશન અને ગેસ ચેમ્બરોમાં આકસ્મિક ચેકીંગનું નાટક કર્યુ હતુ પરંતુ આડેધડ ખોદકામ બાદ રસ્તા સમથળ કરવામાં અખાડા કરનારી કંપનીના બેજવાબદાર અધિકારીઓના પાપે શહેરમાં અનેક જગ્યાએ ગેસની પાઇપલાઇનના કારણે રસ્તાને ગેસ થયો હોય તેમ રસ્તાને ઉપસાવી દેવામાં આવ્યા છે અને કાચા સ્પીડબ્રેકર બનાવી દેવામાં આવ્યા છે. જેથી લોકોની મુશ્કેલી વધી છે તો આ મહત્વના મુદ્ે મ્યુનિસિપલ કમિશ્નર પણ અદાણીના કોન્ટ્રાકટરોને થાબડભાણા કરતા હોય તેમ રોડના લેવલ લેવા માટે કશી જ સૂચના આપતા નથી તેથી લોકઆક્રોશ વધવા પામ્યો છે.
પોરબંદર શહેરને બાનમાં લઇને અદાણી ગેસ કંપનીના કોન્ટ્રાકટરોએ અનેક વિસ્તારોમાં આડેધડ ખોદકામ કરી નાખ્યા બાદ અને ગેસની પાઇપલાઇનો નાખ્યા બાદ રસ્તા સમથળ કર્યા નથી જેના કારણે લોકોને અવરજવરમાં ખુબ મુશ્કેલી વેઠવી પડે છે તો બીજી બાજુ પોરબંદર મહાનગરપાલિકાની મિલ્કતને નુકશાન પહોંચાડનારા કોેન્ટ્રાકટરો સામે મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર હસમુખ પ્રજાપતિથી માંડીને વહીવટદાર કમ જિલ્લા કલેકટર એસ.ડી. ધાનાણી પણ  કશુ જ કરી શકતા  નથી તેવી અનુભૂતિ થઇ રહી છે કારણકે મોટાભાગના વિસ્તારોમાં  રોડને સમથળ કરવામાં આવ્યા નથી. 
કોન્ટ્રાક્ટ ફાળવાયો તેમાં સ્પષ્ટપણે સૂચના આપવામાં આવી હતી કે કામ પૂર્ણ થતુ જાય તે પ્રમાણે રોડનું તાત્કાલિક લેવલીંગ લેવું જ‚રી બનશે પરંતુ તમામ નિયમોનો ઉલાળીયો કરીને અદાણી ગેસના કોન્ટ્રાકટરો મનમાની ચલાવી રહ્યા છે. પોરબંદરના બીરલાહોલ સામે ત્રણ દિવસ પહેલા સી.એન.જી. સ્ટેશન તથા ગેસચેમ્બરમાં પેટ્રોલીયમ અને કુદરતી ગેસ નિયમનકારી બોર્ડ દ્વારા મોકડ્રીલનું નાટક કરવામાં આવ્યુ હતુ.જેમાં અદાણી ટોટલ ગેસ લિમીટેડના કર્મચારીઓ જોડાયા હતા. પરંતુ એ જ જગ્યાએ પાઇપલાઇન નાખ્યા બાદ રસ્તો સમથળ કરવામાં આવ્યો નહી હોવાથી રોડને ગેસ થઇ ગયો હોય તેમ એક ફૂટ ઉંચો ઉપસી ગયો છે. અહીંયા બાજુમાં જ હોસ્પિટલ આવેલી છે અને  દર્દીઓને એમ્બ્યુલન્સમાં લાવવામાં આવે છે ત્યારે રોડના ખોદકામને લીધે વધુ મુશ્કેલી વેઠવી પડે છે.  એ જ રીતે પોરબંદરના જ્યુબેલી, બોખીરા, મહારાજબાગ વિસ્તાર, જનકપુરી સોસાયટી વિસ્તાર સહિત જુદા-જુદા એરિયામાં કોન્ટ્રાકટરોએ ગેસની પાઇપલાઇન નાખી દીધાના ચાર મહિના પછી પણ રોડને સમથળ કરવામાં આવ્યા નથી. તેથી ચોમાસામાં કાદવ-કીચડની સાથોસાથ ગેસની પાઇપલાઇન પણ બહાર ડોકીયા કરવા લાગે તો જૂનાગઢ જેવો ગંભીર અકસ્માત સર્જાય તેવી પૂરેપૂરી શકયતા રહેલી છે માટે પોરબંદર મનપાના અધિકારીઓ કોઇ ગંભીર અકસ્માત સર્જાય કે જૂનાગઢ જેવો બ્લાસ્ટ થાય તેની રાહ જોઇ રહ્યા છે કે શું ? તેવો  સવાલ ઉઠવા પામ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application