દ્વારકાના યુવાનની હત્યા પ્રકરણમાં પત્ની સહિત ત્રણેય આરોપીઓનો નિર્દોષ છુટકારો

  • April 03, 2024 10:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકામાં રહેતા ખેંગાર સુમલાભા માણેકના લગ્ન વર્ષ 2018માં સુરજકરાડી ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતા બુધાભા ભઠડના પુત્રી સમજુબેન સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન તેઓને એક પુત્રનો જન્મ થયો હતો.


ત્યાર બાદ પતિ-પત્ની વચ્ચે મનદુ:ખ થતા સમજુબેન તેમના માવતરે રિસામણે જતા રહ્યા હતા. આ પછી ગત તારીખ 2-06-2021 ના રોજ રાત્રિના આશરે 1 વાગ્યાના સમયે સમજુબેનના પતિ ખેંગારભા માણેક તેના પુત્રને મળવા તેમના ઘરે ગયા હતા. તે દરમિયાન થયેલી બોલાચાલી બાદ ખેંગારભાના સાસુએ તેમની આંખમાં અને મોઢા ઉપર મરચાની ભૂકી છાંટી, સમજુબેને તેના પતિને માથાના ભાગે કુહાડી ફટકારી દીધી હતી. આ ઉપરાંત સાળા ખેંગારભા બુધાભા ભઠડએ પણ લોખંડના પાઇપ વડે માર મારી, જીવલેણ ઇજાઓ પહોંચાડતા ગંભીર હાલતમાં ખેંગારભા માણેકનું મૃત્યુ નિપજ્યું હતું.


તેમની લાશ નજીકની એક દુકાન પાસેના રોડ પર પડી હતી. આ સમગ્ર પ્રકરણ અંગે મૃતકના ભાઈ કનુભા સુમલાભા માણેકને હત્યા અંગેની માહિતી પરથી મૃતકના ભાઈએ મૃતક ખેંગારભાના પત્ની સમજુબેન, સાળા ખેંગારભા ભઠડ અને સાસુ ધનબાઈ બુધાભાઈ સામે હત્યાની કલમ સહિતના જુદા જુદા ગુનાઓ સબબની ફરિયાદ નોંધાવી હતી. જે અંગે પોલીસ તપાસ દરમિયાન નજરે જોનારા સાહેદોના નિવેદનો નોંધી આ અંગે સક્ષમ અધિકારી સમક્ષ લેવામાં આવેલા નિવેદનો વિગેરે બાદ સમજુબેન, તેણીના માતા ધનબાઈ તથા ભાઈ ખેંગારભાની ધરપકડ કરી, અદાલત સમક્ષ રજૂ કરતા અદાલતે ત્રણેય આરોપીઓને જિલ્લા જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.


આ આરોપીઓ વિરુદ્ધ રજૂ કરવામાં આવેલી ચાર્જશીટ બાદ આ અંગેનો કેસ દ્વારકાની અદાલતમાં ચાલી જતા આરોપીઓના વકીલ ખંભાળિયાના જીતેન્દ્રભાઈ કે. હિંડોચા વિગેરેની દલીલો તથા ઉચ્ચ ન્યાયાલયના ચુકાદાઓને ધ્યાનમાં લઈએ અદાલતએ આરોપીઓને છોડી મૂકવા માટેનો હુકમ કર્યો હતો. આરોપીઓ તરફે વકિલ જીતેન્દ્ર હિંડોચા, પી.એમ. ઠાકર, અભિષેક એન. ધ્રુવ તથા નિરવ સામાણી રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application