ભાણવડ પંથકની સગીરાના અપહરણ તથા દુષ્કર્મના કેસમાં આરોપીને વીસ વર્ષની સખત કેદ

  • April 08, 2024 12:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયાની એડિશનલ સેશન્સ અદાલત દ્વારા સજા તથા દંડ



ભાણવડ પંથકમાં રહેતી એક પરિવારની આશરે 14 વર્ષની સગીર પુત્રી આજથી આશરે દોઢ વર્ષ પૂર્વે શાળાએ એક્સ્ટ્રા ક્લાસ માટે ગઈ હતી. ત્યારે આરોપી એવો ભાણવડનો રહીશ કિરીટ હીરાભાઈ સામતભાઈ સોલંકી નામનો 28 વર્ષનો શખ્સ લલચાવી ફોસલાવીને મોટર સાયકલમાં બેસાડીને લઈ ગયો હતો.


આરોપી દ્વારા તેના ફોનમાંથી શાળાના શિક્ષકને ફોન કરીને તેણી બીમાર હોવાનું જણાવીને લઈ જતા આ અંગે શિક્ષકને શંકા ગઈ હતી. જેથી શિક્ષકે સગીરાના પરિવારજનોને ફોન કરતા ટ્રુ કોલર દ્વારા જાણવા મળેલા આરોપીના નામ મુજબ આરોપી "કીરીટભાઈ સોલંકી તમારા શું સંબંધી થાય છે?"- તે બાબતે પૂછતા ફરિયાદીએ કિરીટ સોલંકી સાથે તેઓને કોઈ સંબંધ ન હોવાનું જણાવ્યું હતું.


બાદમાં શિક્ષકે કિરીટ સોલંકીને વિદ્યાર્થિનીને પરત સ્કૂલે મૂકી જવાનું ફોનમાં જણાવતા તે સગીરાને સ્કૂલે મૂકી અને આરોપી બાઈક ઉપર જતો રહ્યો હતો. આ અંગે સગીરાને પૂછવામાં આવતા ઉપરોક્ત શખ્સ આજથી આશરે દોઢ માસ પૂર્વે તેણીને લલચાવી, ફોસલાવી અને કોઈ ગ્રામ્ય વિસ્તારની વાડી ખાતે લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ સમગ્ર પ્રકરણ અંગે ભાણવડ પોલીસે તારીખ 4-1-2023 ના રોજ ધોરણસર ફરિયાદ નોંધી, આરોપીની સામે આઈપીસી કલમ 363, 366, 354, 376, 506 (2) તથા પોકસો એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.


આ પ્રકરણમાં તપાસનીસ અધિકારી પી.આઈ. ટી.સી. પટેલ દ્વારા ભોગ બનનારની મેડિકલ તપાસણી તેમજ અન્ય પુરાવાઓ મેળવી અને ખંભાળિયાની એડિશનલ સેશન્સ અદાલતમાં ચાર્જસીટ દાખલ કર્યું હતું. આ સમગ્ર કેસ અંગે સરકાર તરફે જિલ્લાના મુખ્ય સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા કરવામાં આવેલી વિવિધ દલીલો તેમજ સંયોગીક પુરાવાઓને ધ્યાને લઈ અને એડિશનલ સેશન્સ જજ શ્રી વી.પી. અગ્રવાલ દ્વારા આરોપી કીરીટ હીરાભાઈ સામતભાઈ સોલંકીને તકસીરવાન ઠેરવી, 20 વર્ષની સખત કેદ તથા રૂપિયા 20,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આ કેસમાં દુષ્કર્મનો ભોગ બનનાર સગીરાને સામાજિક, આર્થિક તથા માનસિક પુનર્વસન માટે વીટનેશ કમ્પન્સેશન સ્કીમ હેઠળ રૂપિયા ચાર લાખનું વળતર ચૂકવવા માટે પણ હુકમ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application