જામનગરમાં અખબારના તંત્રીની હત્યાના આરોપીને આજીવન કેદ

  • October 09, 2024 01:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

31 વર્ષ પહેલા લીમડાલેનમાં ગુડ ઇવનીંગ અખબારના માલિક સુરેન્દ્રસિંહ જાડેજાની થયેલી કરપીણ હત્યાનો ચુકાદો: 3 આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડાયા : 5 આરોપીઓના મૃત્યુ થઇ ચુકયા છે : ડીસ્ટ્રીક એન્ડ સેસન્સ કોર્ટ દ્વારા કરાતો હુકમ



જામનગરના લીમડા લાઇન વિસ્તારમાં આશરે 31 વર્ષ પુર્વે ગુડ ઇવનીંગ અખબારના તંત્રી સુરેન્દ્રસિંહ જાડેજાની કરપીણ હત્યાના ચકચારી કેસમાં અહીંની સેસન્સ કોર્ટ દ્વારા આજ રોજ ચુકાદો આપવામાં આવ્યો છે જેમાં હત્યા કેસમાં સંડોવાયેલા આરોપી પુર્વ પોલીસમેનને તકસીરવાન ઠેરવીને આજીવન કેદની સજા અને દંડનો હુકમ કરાયો છે, જયારે 3 આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવાનો આદેશ કરાયો છે, આ કેસમાં સંડોવાયેલા 5 આરોપીઓના મૃત્યુ થયા છે.


જામનગરના અખબાર ગુડ ઇવનીંગના તંત્રી સુરેન્દ્રસિંહ કિરીટસિંહ જાડેજાની 1993ની સાલમાં લીમડા લાઇન વિસ્તારમાં કેટલાક શખ્સો દ્વારા હથિયારોથી હુમલો કરીને કરપીણ હત્યા નિપજાવવામાં આવી હતી જે તે વખતે ભારે ચકચારી બનેલા આ કેસમાં 9 આરોપી સામે ફરીયાદ દાખલ કરવામાં આવી હતી અને એ પછી પોલીસ દ્વારા આરોપી પુર્વ પોલીસકર્મી સહિતનાઓની અટકાયત કરાઇ હતી અને કોર્ટમાં ચાર્જસીટ કરવામાં આવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે આ કેસમાં કુલ 9 આરોપી જેમાં 6 મુખ્ય આરોપીઓ અને 3 અજાણ્યા આરોપીઓનો સમાવેશ થતો હતો જે પૈકી 5 આરોપીઓના મૃત્યુ નિપજયા હતા.


જામનગરની અદાલતમાં ચકચારી હત્યા કેસ ચાલ્યો હતો અને અગાઉ તારીખો પડી હતી તેમજ સ્પે. પી.પી. પણ નિમાયા હતા, લાંબા કાનુની જંગ દરમ્યાન પુર્વ પોલીસ આરોપી અનોપસિંહ સહિતના 5 આરોપીઓના કેસ દરમ્યાન મૃત્યુ નિપજયા હતા. સાહેદોને તપાસ્યા હતા, પુરાવાઓ એકત્રીત કરાયા હતા અને સરકાર તથા આરોપીઓ તરફે વકિલો દ્વારા દલીલો કરવામાં આવી હતી.


આ ચકચારી હત્યા કેસ અહીંના એડી. ડીસ્ટ્રીક એન્ડ સેસન્સ જજ વી.પી. અગ્રાવલની કોર્ટમાં ચાલતા આજરોજ આ અંગેનો ચુકાદો આવ્યો છે, જેમાં એક આરોપી પુર્વ પોલીસકર્મી ગંભીરસિંહ જાડેજાને તકસીરવાન ઠેરવીને આજીવન કેદની સજા અને 25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે અને જો દંડ ન ભરે તો વધુ એક વર્ષની સજાનો આદેશ સેસન્સ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે, જયારે 3 આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ છુટકારો કરાયો છે.

આશરે 31 વર્ષે ગુડ ઇવનીંગ અખબારના તંત્રીની હત્યા કેસમાં ચુકાદો આવ્યો છે અને એક આરોપીને સજા પડી છે, આ ચકચારી કેસમાં સરકાર તરફે જીલ્લા સરકારી વકિલ જમનકુમાર ભંડેરી રોકાયા હતા. જયારે આરોપીઓ તરફે જાણીતા વકિલ વી.એચ. કનારાએ દલીલો કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application