જામનગરમાં બાળકોના આધારકાર્ડની કામગીરી છેલ્લા દોઢ મહિનાથી ઠપ્પ

  • September 14, 2024 10:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાલીઓએ ઠેર-ઠેર ધક્કા: માત્ર એક જ આધાર કેન્દ્ર ચાલુ: કોર્પોરેશન અને જિલ્લા પંચાયતમાં આધાર કેન્દ્રમાં તાળા



જામનગર શહેર-જિલ્લામાં એકથી પાંચ વર્ષના બાળકોની આધારકાર્ડની કામગીરી દોઢ માસથી ઠપ્પ થઈ ગઈ છે. કોર્પોરેશન અને જિલ્લા પંચાયતમાં તો બાળકોના અધાર કેન્દ્રોને તાળા લાગી ગયા છે. જ્યારે શહેરમાં જનરલ પોસ્ટ ઓફીસ ખાતે એક જ જગ્યાએ જો લીંક મળે તો જ કામગીરી થાય છે. અન્યથા વાલીઓને ધક્કો ખાવો પડે છે. આ સ્થિતિ ક્યારે સુધરશે તેની કોઈ ખાતરી આપી શકતું નથી.


શહેરમાં સુમેર ક્લબ રોડ-ર ઉપર કોર્પોરેશનના જુના બાલમંદિરની જગ્યામાં શહેરનું મહાનગરપાલિકા હસ્તકનું આધાર કેન્દ્ર ચાલે છે. જેમાં એક અલગ પેટા કેન્દ્ર એકથી પાંચ વર્ષના બાળકો માટેનું છે. આ કેન્દ્રમાં અગાઉ અવાર-નવાર ધાંધીયા સર્જાયા બાદ હવે છેલ્લા દોઢ માસથી નાના બાળકોના આધાર કાર્ડની કામગીરી જ બંધ કરી દેવામાં આવી છે. આધાર કેન્દ્રને જ તાળું મારી દેવાયું છે. આવી નાના બાળકોના આધાર કેન્દ્રો બંધ હોવાની સ્થિતિ ધ્રોલ- કાલાવડ અને જામનગર ગ્રામ્ય-૨ (જિલ્લા પંચાયત ખાતે)ના આધાર કેન્દ્રોની છે. જિલ્લામાં આ સિવાય જોડીયા, જામજોધપુર અને લાલપુર તેમજ જામનગર ગ્રામ્ય-૧ (પ્રદર્શન મેદાન, સરકારી વસાહત) ખાતે ક્યારેક- ક્યારેક જ કામગીરી શક્ય બને છે.

જામનગર જિલ્લામાં તમામ આધાર કેન્દ્રો ચાલુ હોય તો નાના બાળકોના રોજના માત્ર ૧૫ થી ૨૦ આધાર કાર્ડ નીકળે છે. જામનગર શહેરમાં જ્યાં થોડી ઘણી કામગીરી થાય છે. તેવા ચાંદી બજારમાં જનરલ પોસ્ટ ઓફીસ ખાતે પણ રોજ વાલીઓની લાઈન લાગે છે, ટોકનો પણ અપાય છે. પરંતુ રોજ સર્વરના અને લીંકના ઉપરથી ધાંધીયા સર્જાયે રાખે છે. પરિણામે કેન્દ્રના સરકારી ઓપરેટર દ્વારા કામ બંધ રહેશે. તેવી જાહેરાત કરાયા બાદ કલાકોની રાહ જોઈને આધાર કાર્ડની કામગીરી માટે બાળકોને લઈને આવેલા વાલીઓ પાછા જાય છે. જિલ્લાની રાજકીય નેતાગીરીએ આ પ્રશ્ન ઉકેલવા દરમિયાનગીરી કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application