ભાવનગરનો યુવાન ૫૦ લાખની નકલી ચલણી નોટો સાથે ઝડપાયો

  • November 18, 2024 03:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નકલી ચલણી નોટો અર્થતંત્ર માટે એક મોટી સમસ્યા છે. જે ભારત સહિત વિશ્વના ઘણા દેશોની અર્થવ્યવસ્થાને અસર કરે છે. નકલી ચલણી નોટો માત્ર લોકોને આર્થિક નુકસાન જ નથી પહોંચાડતી પણ બ્લેક માર્કેટિંગ અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ ફાળો આપે છે. ત્યારે વધુ એકવાર પોલીસે બજારમાં નકલી નોટો ઘુસાડી દેશના અર્થતંત્રને નુકશાન પહોંચાડવાનો ઈરાદો ધરાવતા  ભાવનગરના આર્યન જાબુચાને ઝડપી લીધો હતો. 
ઉપલબ્ધ વિગતો મુજબ મીરા રોડમાંથી સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચે ૫૦ લાખ રૂપિયાની નકલી નોટો જપ્ત કરી હતી. આ ગુન્હામાં સેન્ટ્રલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભાવનગરના એક યુવાનની ધરપકડ કરવામાં આવી છે. આ નોટો ક્યાં છાપવામાં આવી હતી અને ક્યાં વહેંચવાની હતી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. પરંતુ,  મહારાષ્ટ્રમાં ચુંટણી સમયે આ રીતે નકલી નોટો મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. ચૂંટણીના પગલે પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું છે. કાળા નાણાની લેવડ-દેવડ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. અને ચેકીંગ તેમજ પેટ્રોલિંગમાં રહેલી સેન્ટ્રલ ક્રાઇમ બ્રાન્ચને  માહિતી મળી હતી કે, કાશીમીરામાં એક યુવાન નકલી નોટો વેચવા માટે લાવી રહ્યો છે. તે મુજબ પોલીસે ડોન બોસ્કો સ્કૂલ નજીક મુન્શી કમ્પાઉન્ડમાં છટકું ગોઠવી  આર્યન જાબુચા(ઉ. વ. ૧૯)ની ધરપકડ કરી હતી. પોલીસને તેની બેગમાંથી ૫૩ ચલણી નોટોના બંડલ મળી આવ્યા હતા.એમ કુલ ૫૧ લાખ ૭૧ હજાર રૂપિયાની નોટો મળી આવી હતી. આ યુવાન મૂળ ભાવનગરનો રહેવાસી છે. સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર રાહુલ રાખે જણાવ્યું હતું કે, અમે તપાસ કરી રહ્યા છીએ કે તેને આ નકલી નોટો ક્યાંથી મળી અને તે કોને વહેંચવાનો હતો. આરોપીએ પોલીસને માહિતી આપી હતી કે, થાણેમાં એક વ્યક્તિએ આ નોટો વેચવા માટે આપી હતી. પોલીસ તેના દાવાની ચકાસણી કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી આ યુવાન  શહેરમાં વેચાણ માટે આવ્યો હતો. પરંતુ રાહુલ રાખે કહ્યું કે, આ નકલી નોટો ચૂંટણી સાથે સંબંધિત નથી.
આર્યન જાબુચા નકલી ચલણના વ્યવહારમાં સક્રિય છે. તે તેની સાથે ૫૦ લાખ રૂપિયાની નકલી નોટો તે ૨૫ લાખ રૂપિયામાં વેચવા જતો હતો. ત્યાર પછી આ નોટોનો રિટેલ માર્કેટમાં ઉપયોગ થવાનો હતો. આથી પોલીસે નકલી નોટો ચલણમાં હોવાની શક્યતા વ્યક્ત કરી  કાશીમીરા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેક્ટર રાહુલ ખાડેએ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application