ગોવાણા ગામે બોરવેલમાં ગરકાવ બે વર્ષનો માસુમ બાળક "રાજ" આખરે નવ કલાક બાદ જિંદગીનો જંગ જીતી ગયો...

  • February 07, 2024 10:00 AM 

ગોવાણા ગામે બોરવેલમાં ગરકાવ બે વર્ષનો માસુમ બાળક "રાજ" આખરે નવ કલાક બાદ જિંદગીનો જંગ જીતી ગયો...



એક કહેવત છે ને કે રામ રાખે તેને કોણ ચાખે...! અને આ કહેવતને સાર્થક કરતી ઘટના જામનગર જિલ્લામાં બનવા પામી છે. મોતના મુખમાંથી બે વર્ષનો માસુમ બાળક પાછો આવ્યો છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણ ગામે ગઈકાલે સાંજે 6:30 વાગ્યે ખુલ્લા ખેતર વાળીમાં મહારાષ્ટ્રના શ્રમિક પરિવારનો બે વર્ષનો માસુમ બાળક રાજ 200 ફૂટ ઊંડા બોરવેલમાં ગરકાવ થયો હતો અને આ ઘટનાની જાણ થતાની સાથે જ જામનગર વહીવટી તંત્રનો તમામ કાફલો રાજને રેસ્ક્યુ કરવા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો. જ્યારે વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે 9 કલાકની જહેમત બાદ આખરે રાજ જિંદગીનો જંગ જીતી ગયો અને વહીવટી તંત્ર દ્વારા તેનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.




જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિત હાલાર પંથકમાં ખેતરોમાં ખુલ્લા બોરવેલમાં બાળકો ગરકાવ થવાની છેલ્લા છ મહિનામાં ગઈકાલે ત્રીજી ઘટના બની હતી જ્યારે અગાઉની બે ઘટના કે જેમાં તમાચણ ગામ અને રાણ ગામે બંને માસુમ બાળકોના કલાકોના રેસ્ક્યુ ઓપરેશન બાદ પણ દુઃખદ મોત થયા હતા. જ્યારે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણામાં બનેલ ગઈકાલની ઘટનામાં વહીવટી તંત્રની મહેનત રંગ લાવી અને બે વર્ષના માસુમ બાળક રાજને બોરવેલમાંથી બહાર કાઢી સફળ ઓપરેશન પાર પાડી નવી જિંદગી આપવામાં આવી.




ગોવાણા ગામે વાડી ખેતરમાં મજૂરી કામ કરતા મહારાષ્ટ્રીયન પરિવારનો બે વર્ષનો માસુમ બાળક રાજ રમતા રમતા ચણાના ખેતરમાં પહોંચ્યો હતો અને ચણા ભરેલા ખેતરમાં અચાનક જ ખુલ્લા બસો ફૂટ ઊંડા બોરવેલમાં બાળક ગરકાવ થતા તેના માતા-પિતાને આ ઘટનાની જાણ થતાની સાથે જ બાળકના માતા પિતાએ ગામના આગેવાનો અને સરપંચને જાણ કરી અને તેમના દ્વારા વહીવટી તંત્રને જાણ કરવામાં આવતા જામનગર જિલ્લાના વહીવટી તંત્રનો તમામ કાફલો ઘટના સ્થળે રેસ્ક્યુ માટે પહોંચ્યો હતો.




જામનગર મહાનગરપાલિકાના ફાયર સ્ટેશન ઓફિસર રાકેશ ગોકાણી અને કામિલ મહેતાની ટીમ સૌપ્રથમ ઘટના સ્થળે પહોંચી બોરવેલમાં 10 ફૂટની ઊંડાઈએ ફસાયેલા બાળકના બંને હાથ દોરીથી બાંધી લઈ તેને એક જગ્યાએ સ્થિર કરવામાં આવ્યો. ત્યારબાદ રિલાયન્સ સહિતની ફાયરની અનેક ટીમો ઓપરેશનમાં જોડાઈ અને 108 ની મદદથી બોરવેલમાં રહેલ બાળકને સતત ઓક્સિજન પૂરો પાડી તેના જીવ બચાવવામાં આવ્યો. સાથે સાથે બોરવેલની બાજુમાં ત્રણ ફૂટના અંતરે એક ઊંડો ખાડો કરી અને નીચેથી ઊંડો ખાડો કરી અને આખરે નવ કલાકની જહેમત બાદ વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે બાળકનું સફળ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું.




બોરવેલમાંથી બાળકને જીવિત કાઢ્યા બાદ 108 એમ્બ્યુલન્સમાં જીજી હોસ્પિટલના પીડિયાટ્રીક તબીબોની ટીમ દ્વારા બાળકને તાત્કાલિક પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવી. જ્યારે જેવી હાલતમાં બાળક બોરવેલમાંથી જીવિત બહાર નીકળતા તેના માતા-પિતા અને રેસ્ક્યુ કરનાર તમામ લોકોમાં એક ખુશીનો આનંદ જોવા મળ્યો. મહત્વનું છે કે વહીવટી તંત્ર તેમજ જિલ્લા પોલીસવડા, જિલ્લા કલેકટર અને આરોગ્ય વિભાગ તથા પોલીસ વિભાગ તમામ વિભાગોની મહેનત રંગ લાવી અને જામનગરમાં ઇતિહાસમાં કહી શકાય કે પ્રથમ વખત બોરવેલમાં ગરકાવ બાળકને આખરે નવ કલાક બાદ પણ સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તેનો જીવ બચાવવામાં આવ્યો. 




જોકે અગાઉથી ઘટનામાં NDRF, SDRF, સેનાની ટીમો સહિતનો કાફલો રેસ્ક્યુમાં જોડાયો હતો, પરંતુ ગોવાણા ગામની ઘટનામાં માત્ર જામનગર મહાનગરપાલિકા ફાયર સ્ટેશન ઓફિસરોની ટીમ અને રિલાયન્સ ફાયર સહિતની સ્થાનિક ટીમોએ જ ખૂબ જ દિલધડક રેસ્ક્યુ હાથ ધરીને નવ કલાકના ટૂંકા સમયમાં જ બાળકનો જીવ બચાવ્યો જે ખૂબ જ કાબીલેદાદ કામગીરી છે.




જોકે જામનગર સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ખુલ્લા વાડી અને ખેતરોમાં ખુલ્લા બોરવેલમાં આ પ્રકારે બાળકો ગરકાવ થવાની ઘટના સર્જાય છે અને એક બે દિવસ માટે આવી ઘટનાઓને લઈને દોષિતો સામે કાર્યવાહી થાય છે. પરંતુ ખરા અર્થમાં ખુલ્લા બોરવેલમાં બાળકો ગરકાવ થવાની ઘટનાઓ ક્યારે અટકશે તે પણ એક સળગતો સવાલ છે. આ અંગે વહીવટી તંત્ર સાથે વાડી અને ખેતર માલિકોએ પણ પોતાના ખેતરોમાં એટલી જ કાળજી રાખીને આવા ખુલ્લા બોરવેલનો નિકાલ કરવો છે જેથી ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન સર્જાય અને કોઈ માસુમ બાળકના જીવ ન જાય...
​​​​​​​





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application