જામનગરમાં પુર અસરગ્રસ્ત સહાયની કામગીરી કરી રહેલા શિક્ષકનું હાર્ટએટેકથી મૃત્યુ

  • September 03, 2024 11:55 AM 

જી.જી. હોસ્પિટલમાં શિક્ષકને મૃત જાહેર કરાયા બાદ ઉચ્ચ અધિકારીઓનો કાફલો દોડતો થયો: ભારે અરેરાટી


જામનગર શહેરમાં અતિવૃષ્ટિ પછી પૂરના અસરગ્રસ્તો ની સહાયની સર્વેની કામગીરી ચાલી રહી છે, જેનું સર્વે કરી રહેલા એક શિક્ષકને આજે એકાએક હૃદય રોગનો હુમલો આવી ગયો હતો, અને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું, જેથી ઉચ્ચ અધિકારીઓના કાફ્લો જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો હતો, અને ભારે ગમગીની છવાઈ છે.


જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૬ માં પૂર અસરગ્રસ્તો ની સર્વેની કામગીરી ચાલી રહી હતી, જે દરમિયાન બપોરે ચારેક વાગ્યાના અરસામાં જામનગર જિલ્લા પંચાયતની વાણીયા ગામની શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા કલ્પેશભાઈ ભીખુભાઈ માંડવીયા (ઉમર વર્ષ ૩૮) કે જેઓ વૃજ વાટીકા સોસાયટીમાં બપોરે ચારેક વાગ્યા ના અરસામા સર્વેની કામગીરી કરી રહ્યા હતા.


જે દરમિયાન તેઓને એક એક હાર્ટ એટેક આવી ગયો હતો, અને તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.


આ બનાવની જાણ થતા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓનો કાફલો જીજી હોસ્પિટલમાં દોડી ગયો હતો, અને ભારે ગમગીની છવાઈ હતી. પોલીસ તંત્ર પણ દોડતું થયું છે અને શિક્ષકના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે


મૃત શિક્ષકના પરિવારને મુખ્યમંત્રી રાહત કોષમાંથી ૨૫ લાખનું વળતર આપવા શિક્ષક સંઘની માંગણી

જામનગરના શિક્ષક કલ્પેશભાઈ માંડવીયાનું ચાલુ ફરજે હાર્ટ એટેક થી મૃત્યુ થયા ના બનાવની જાણ થતાં જામનગર શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઈ ખાખરીયા તેમજ અન્ય શિક્ષક અગ્રણીઓ પણ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃત શિક્ષકને વોરિયર તરીકે ગણીને તેઓના પરિવારને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ૨૫ લાખનું વળતર અપાય તેવી માંગણી કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application