જામનગરને તોબા બોલાવતી ટ્રાફિક સમસ્યાનો ઉકેલ: ફલાય ઓવરનું કામ ૨૪ કલાક કરો

  • March 09, 2024 11:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શિવરાત્રીની ગઇરાત્રે શહેરમાં ચારેકોર ચકકાજામના દ્રશ્યો સર્જાયા: અવારનવાર સર્જાતી ટ્રાફિક સમસ્યાથી લોકો ત્રસ્ત: ગઇરાત્રે એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઇ ગઇ: વિકટોરીયા પુલ, ત્રણ દરવાજા, ગુલાબનગર, નાગનાથ ગેઇટ સહિતના લગભગ શહેરના તમામ વિસ્તારોમાં ટ્રાફિક જામ સર્જાતા ઠેર-ઠેર લોકો ફસાયા: પોલીસે ટ્રાફિક કલીયર જરુર કરાવ્યો પરંતુ કાયમી ઉકેલની દીશામાં વિચારવું ખુબ જ જરુરી

જામનગરમાં ટ્રાફિકની સમસ્યા વર્ષોથી લોકો માટે શીરદર્દ તો રહી જ છે, ખાસ કરીને જયારથી ફલાય ઓવરનું કામ શરુ થયું છે ત્યારથી આ સમસ્યા વકરીને નાસુર બની ગઇ છે, તેમાં કોઇ સંદેહ નથી કે, ફલાય ઓવર બની ગયા બાદ ટ્રાફિક સમસ્યામાં ઘણીબધી રાહત મળશે, પરંતુ ગઇ રાત્રે શહેરની જે સ્થિતિ હતી અને ઠેકઠેકાણે જે રીતે વાહન ચાલકો ફસાયા હતાં, એમ્બ્યુલન્સ પણ ફસાઇ હતી, તેના પરથી એક બાબત સ્પષ્ટ દેખાય છે કે, જયાં સુધી ફલાય ઓવરનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ખાસ કરીને તહેવારના દિવસે તાત્કાલીક અસરથી પોલીસ તંત્રએ વચલો માર્ગ લઇને હાઇવે તરફના ટ્રાફિકને શહેર તરફ આવતા રોકવા માટે કામચલાઉ ડાયવર્ટ કરવા પડશે અને સૌથી મહત્વની વાત એ છે કે, ફલાય ઓવરનું કામ યુઘ્ધના ધોરણે કરીને વ્હેલી તકે પૂર્ણ કરવાનું લક્ષ્ય તંત્રએ રાખવું જોઇએ, કારણ કે હાલની ટ્રાફિક સમસ્યાનો મુળ એ જ છે.
દેખાઇ રહ્યું છે કે, ફલાય ઓવરનું કામ સવારે શરુ થઇને લગભગ સાંજે પૂર્ણ થઇ જાય છે, હવે જયારે ટ્રાફિક સમસ્યા ખુબ જ વિકરાળ બની છે અને કોઇ બીજો રસ્તો દેખાતો નથી ત્યારે તંત્રએ તમામ પ્રકારનું સંકલન સાધીને ફલાય ઓવરનું કામ કરી રહેલા કોન્ટ્રાકટર સાથે બેઠક કરીને ૨૪ કલાક કામ ચાલે એવો આદેશ આપવો જોઇએ અને જે ડેડલાઇનમાં કામ પૂર્ણ થવાનું છે તેનાથી પણ વ્હેલું કામ પૂર્ણ થાય તે દિશામાં ગંભીરતાપૂર્વક પગલા લેવા જોઇએ તેવું જામનગરના અભ્યાસુ લોકો વિચારી રહ્યા છે.
જામનગરમાં રુા.૧૯૬ કરોડના ખર્ચે સૌરાષ્ટ્રનો લાંબામાં લાંબો ફલાય ઓવરબ્રિજ બની રહ્યો છે ત્યારે જયારે-જયારે જામનગરમાં મોટા-મોટા તહેવારો આવે છે ત્યારે શહેરમાં ચારેકોર ચકકાજામના દ્રશ્યો જોવા મળે છે, જેને કારણે ટ્રાફિક સમસ્યાથી લોકો ત્રસ્ત બની ગયા છે, ત્યારે આ ફલાય ઓવરબ્રિજનું કામ ઝડપી બનાવવામાં આવે તો તાત્કાલીક અસરથી ટ્રાફિકની સમસ્યામાં રાહત થાય.
જાણવા મળતી માહિતી પ્રમાણે લગભગ ડીસેમ્બર માસમાં ફલાય ઓવરબ્રિજનું કામ પૂર્ણ થાય તેવી શકયતા છે, પરંતુ લોકોના કહેવા મુજબ આ કામ કોઇપણ ભોગે ૨૪ કલાક શરુ રહે તે જરુરી છે, જયારે ફલાય ઓવરબ્રિજનું કામ પૂર્ણ થઇ જશે ત્યારે શહેરની ટ્રાફિકની સમસ્યા મોટાભાગે હળવી બની જશે, તંત્ર વાહકો અને પદાધિકારીઓને સાથે મળીને આ અંગે જે સમસ્યા ઉભી થઇ રહી છે તે નિવારવા સતત પ્રયત્ન કરવા પડશે.
ગઇકાલે શિવરાત્રીના તહેવાર નિમિતે જામનગર શહેરમાં ગઇકાલે ટ્રાફિકની ભારે સમસ્યા ઉભી થઇ હતી, આ પ્રકારે સાતમ-આઠમ અને અન્ય તહેવારોમાં પણ ટ્રાફિકની સમસ્યા ઉભી થઇ હતી, ત્યારબાદ લગભગ બે મહીના ફલાય ઓવરબ્રિજના કારણે અંબર ચોકડીવાળો રસ્તો બંધ થઇ જતાં લોકોને ભારે હાડમારીનો સામનો કરવો પડયો હતો, એ પણ હકીકત છે કે ભૂર્ગભ ગટર, વિજ લાઇન, પાણીની લાઇટ આ બધી લાઇનોને ફરીથી નાખવા જામનગર કોર્પોરેશને બીજા ખાતાનો સહારો લેવો પડે છે, એ ખાતાની એનઓસી મળી જાય ત્યારે આ કામ ઝડપથી થઇ શકે.
લોકોની સમસ્યા ઝડપથી નિવારાય એ માટે કોર્પોરેશન, પીજીવીસીએલ, પોલીસ વિભાગ તથા અન્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓની એક સંયુકત બેઠક બોલાવવી જોઇએ અને આ બેઠકમાં હવે ૮થી ૧૦ કલાકના બદલે ૨૪ કલાક કામ શરુ થાય તે અંગે વ્યવસ્થા ગોઠવવી પડશે. ફલાય ઓવરબ્રિજનું કામ ઝડપથી થાય તો તે જામનગરવાસીઓ માટે ફાયદાકારક છે, એટલું જ નહીં ટ્રાફિકની સમસ્યા ઉકેલાશે અને હવે પછી જે કામ થાય ૨૪ કલાક અને ખુબ જ ઝડપી થાય તે ખુબ જ જરુરી છે તેમ લોકોનું કહેવું છે.
જામનગરમાં ગઇકાલે શિવરાત્રીનો પવિત્ર તહેવાર હતો ત્યારે ચારેબાજુ ટ્રાફિક જામ થઇ ગયો હતો, ખાસ કરીને ગુલાબનગરથી વિકટોરીયા પુલ, ત્રણ દરવાજા, તીનબતી સુધીનો ટ્રાફિક તો તોબા પોકારી ગયો હતો, ટ્રાફિક પોલીસ અને અન્ય પોલીસ કર્મીઓની સહાયથી લગભગ સવા કલાક બાદ આ ટ્રાફિક ખુલ્યો હતો અને વિકટોરીયા પુલથી દોઢ કીલોમીટર સુધી ટ્રાફિકને કારણે વાહન ચાલકો મુંઝાયા હતાં.
સ્ટે.કમિટી દ્વારા છેલ્લી ત્રણેક મીટીંગમાં લગભગ ૩૦૦ કરોડથી વધુ વિકાસ કામોને મંજુરી આપવામાં આવી છે, એક તરફ લોકસભાની ચૂંટણી આવી રહી છે, હાપા ફલાય ઓવરબ્રિજ ૬૦ ટકા થઇ ગયો છે અને લાલપુર બાયપાસ ચોકડી પાસેનો ફલાય ઓવરબ્રિજ શરુ થયો છે, સૈનિક સ્કુલ પાસેનો બ્રિજ પણ શરુ થવાની અણી ઉપર છે ત્યારે જામનગર શહેરની મઘ્યમાં ટ્રાફિકને અસરકર્તો સૌરાષ્ટ્રનો લાંબામાં લાંબો ફલાય ઓવરબ્રિજનું કામ હવે ૨૪ કલાક કરવાની જરુર છે તેમ લોકોનું કહેવું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application