પ્રભુજીપીપળીયામાં ઘરેલુ ઝઘડામાં પોલીસ કર્મચારી સહિતનો હંગામો

  • June 09, 2025 10:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાઇપ વડે યુવાનને ઇજા કરી : ખારચીયા ગામના ચાર શખ્સ સામે ફરીયાદ

કાલાવડ તાલુકાના પ્રભુજી પીપળીયા ગામમાં પોલીસ કર્મચારી સહિતના ચાર શખ્સોએ બહેનના ઘેર પહોંચી જઈ હંગામો મચાવ્યો હતો, અને બહેનના દિયરના માથા પર પોલીસ કર્મીએ લોખંડનો પાઈપ ફટકારી માથું ફોડી નાખ્યાની ફરિયાદ નોંધાવાતાં ચકચાર જાગી છે.

કાલાવડ તાલુકાના પ્રભુજી પીપળીયા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા મનસુખભાઈ મૂળજીભાઈ વાઘેલા નામના ૨૮ વર્ષના યુવાને પોતાના માથા પર લોખંડનો પાઇપ ફટકારી માથું ફોડી નાખવા અંગે તેમજ તેના પરિવારજનોને ધમકી આપવા અંગે ઉપલેટા તાલુકાના ખારચીયા ગામના વતની અને કાલાવડ પોલીસ મથકમાં ફરજ બજાવતા દિનેશ પુંજાભાઈ બગડા નામના પોલીસ કર્મચારી અને તેના પરિવારના ત્રણ અન્ય સભ્યો માધાભાઈ પુંજાભાઈ બગડા, ધર્મેશ માધાભાઈ બગડા, અને રમેશ માધાભાઈ બગડા સામે કાલાવડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ બનાવની જાહેર કરાયા આનુસાર ની વિગતો એવી છે કે ફરિયાદી મનસુખભાઈ કે જેના મોટાભાઈ પ્રવીણભાઈ વાઘેલાના લગ્ન આરોપી માધાભાાઇની પુત્રી દમયંતીબેન સાથે થયા હતા. જયાં દમયંતીબેનને ત્રાસ આપી વધુ પડતું કામ કરાવીને હેરાન પરેશાન કરવામાં આવે છે તેવું ઉપરાણું લઈને પોલીસ કર્મચારી સહિતના તમામ આરોપીઓ ગઈકાલે કાશ્મરીપરા ખાતેના સાસરે ધસી આવ્યા હતા.

જ્યાં હાજર રહેલા દમયંતીબેનના દિયર મનસુખભાઈ ઉપર પાઇપ વડે હુમલો કરી દીધો હતો, જેમાં તેને માથામાં પાઇપ વાગ્યો હોવાથી માથું ફૂટી ગયું હતું, અને કાલાવડની સરકારી હોસ્પિટલમાં માથામાં ત્રણ ટાંકા લેવા પડ્યા હતા. તેમજ ફરીયાદી તથા તેના પરિવારજનોને ધમકી આપી હતી.

આખરે મામલો પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને કાલાવડના પી.એસ.આઇ જે.એસ. ગોવાણી અને તેઓની ટીમના મયુરસિંહ જાડેજા, ધાનાભાઈ મોરી સહિતની પોલીસ ટુકડીએ કાલાવડની સરકારી હોસ્પિટલ તેમજ બનાવના સ્થળે દોડી ગયા બાદ આરોપી પોલીસ કર્મચારી દિનેશ બગડા સહિત ચાર આરોપીઓ સામે હુમલા સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. જે ચારેય આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી તેઓની શોધખોળ ચલાવાઇ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application