ધ્રોલમાં ૭૪૮ લોકો દ્વારા ધર્માંતરણની ચીમકી આપતા તંત્રમાં ઘેરા પ્રત્યાઘાત

  • August 03, 2024 11:05 AM 

તાત્કાલિક કામગીરી શરૂ કરાઈ: વિસ્તારમાં મામલતદાર, ચીફ ઓફિસર વગેરે તાત્કાલિક દોડી ગયા


ધ્રોલમાં અનેક વખતની રજુઆતો છતાં વોર્ડ નંબર સાતનાં લોકોનાં સ્વછતા સહિતનાં પ્રશ્નોનાં નિકાલ ન થયો ન હતો. આથી 748 હિન્દુઓએ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની તંત્ર પાસે મંજૂરી માગવાની ઘટનામાં તંત્ર સફાળું જાગ્યું છે. આ વિસ્તારમાં મામલતદાર, ચિફ ઓફીસર વિગેરે તાત્કાલીક વિસ્તારમાં દોડી ગયા હતા. નગરપાલિકા સફાળી જાગી તાત્કાલીક અસરથી સફાઇની કામગીરી હાથ ધરાઇ હતી.


સમગ્ર જામનગર જિલ્લામાં ભારે ચકચાર જગાવનાર બનાવમાં ધ્રોલનાં વોર્ડ નંબર સાતમાં પડધરીનાકા પાછળ સાત ડેરી મહાદેવવાળા રસ્તા તેમજ આ વિસ્તારમાં રહેતા 748 લોકોએ કલેકટર સહિત મુખ્યમંત્રી સહિત સરકારી અધિકારીઓ, ધારાસભ્યો અને ચૂંટાયેલા કોર્પોરેટરોના પાપે હિન્દુધર્મ ત્યજીને મુસ્લિમધર્મ અંગીકાર કરવાની પરવાનગી આપવા લેખીત માંગણી કરી છે. કેમકે પડધરી નાકા બાર ખાટકીવાસ આવેલ હોય તેનાં મૃત પશુઓનાં અવશેષો આવવા જવાના માર્ગ પર નાંખવામાં આવે છે.


મેમણ ચોકમાં મુરઘી શોપ અને મચ્છીપીઠનો મછીનો કચરો તેમજ પડધરીનાકા બહાર મરઘા ઉછેર કેન્દ્ર આવેલ છે. પરંતુ નિયમો નેવે મૂકીને મૃત મરઘાઓનો જાહેર રોડ ઉપર નિકાલ કરવામાં આવે છે. આથી ગંદકી અને રોગચાળો ફેલાઈ રહ્યો છે. ઓછું હોય તેમ ગામનાં મૃત પશુનો નિકાલ પણ મુખ્ય માર્ગ પર કરવામાં આવે છે. પડધરીનાકા થી પ્રાથમિક શાળા નંબર બે સુધીનો રોડ આજ દિવસ સુધી ડામર કે સીસી બન્યો નથી. ચોમાસામાં ભારે કાદવ કિચડ અને ગંદકી થાય છે. પડધરી નાકાથી શ્યામસુંદર મહાદેવ મંદિર સુધીના રોડ પર બાવળનો પારાવાર ત્રાસ છે. અમારા વિસ્તારના રસ્તામાં ક્યાંય સ્ટ્રીટ લાઈટ નથી. શાળા નંબર બે પાસેના માર્ગમાં ચોમાસામાં સાત ફૂટ જેટલું પાણી ભરાઈ જાય છે.


આ બાબતે સંબંધિત અધિકારીઓ અને ચૂંટાયેલા રાજકીય આગેવાનોને અનેક વખત રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી. હિન્દુઓની સરકારમાં અમારા કોઈ કામ થતા નથી તથા સમસ્યાઓનું પણ નિરાકરણ થતું નથી. આથી અમોને ફરજિયાત હિન્દુ ધર્મ છોડીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની ફરજ પડી છે.


આ મુદ્દે હિન્દુસેનાનાં પ્રમુખ ગૌરવભાઇ મહેતાએ તાત્કાલીક ઉચ્ચકક્ષાએ રજુઆત કરતા તંત્રને દબાણ વધતા તાત્કાલીક અસરથી મામલતદાર અને ચીફ ઓફીસર સ્થળ પર દોડી ગયા હતા. તાત્કાલીક ધોરણે જેસીબી થી બાવળ દુર કરવાનું અને સફાઇ અભિયાન હાથ ધર્યું હતું.


સફાઈ કામ ચાલુ, ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ...

હાલમાં સાફ સફાઇ ચાલુ છે. રોડની ટેન્ડર પ્રક્રિયા પુર્ણ થઇ ગઇ છે. આગામી સમયમાં બની જશો. તેમજ જે કસાઇનાં પશુનાં અવશેષ નાંખવાનાં પ્રશ્નમાં દુકાન ધારકોને અવશેષો ન નાંખવા સુચનાઓ અપાઇ ગઇ છે. નગરપાલિકા દ્વારા અવશેષનાં નિકાલ માટે ખાડા કરી આપવામાં આવશે ત્યાં નિકાલ કરવાનો રહેશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application