જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કરોડોના વીજ બીલ બાકી હોવાથી ગઇકાલે પીજીવીસીએલ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરાયુ હતું. ૧૦૬૩૨ વીજ જોડાણમાંથી ૫૫૯૮ વીજ કનેકશન કાપી નાખવામાં આવ્યા છે. પીજીવીસીએલની સમક્ષ ૩૨૦૦ આસામીઓએ તાત્કાલિક રૂપિયા ભરી દેતા તેમના જોડાણ ફરીથી ચાલુ કરી દેવામાં આવ્યા છે. આમ પીજીવીસીએલને ૧૮૫.૩૯ લાખની આવક થઇ છે. આજે પણ ૩૭૮ ટીમ દ્વારા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વીજ જોડાણ કટ્ટ કરવા મેગા ઓપરેશન હાથ ધરાયુ છે.
પીજીવીસીએલના અધિક્ષક હસિત વ્યાસે આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. ગઇકાલે મેગા ઓપરેશન સફળ થયું છે. અને ૩૨૦૦ લોકોએ તો તાત્કાલિક અસરથી રૂપિયા ભરી દેતા તેમને ફરીથી જોડાણ આપી દેવાયુ છે. આમ પીજીવીસીએલને રૂ. ૧૮૫.૩૯ લાખની વસુલાતની આવક થઇ છે. કુલ ૫૫૯૮જોડાણો કટ્ટ કરાયા છે તેમાંથી રૂ. ૩૮૪.૬૧ લાખની વસુલાત આવી હતી. આમ એક જ દિવસમાં બન્ને જિલ્લામાંથી થઇને પીજીવીસીએલને રૂપિયા ૫૭૦ લાખની આવક થઇ હતી.
ગઇકાલે યોજાયેલી ડ્રાઇવમાં બન્ને જિલ્લામાં તમામ વિભાગીયને પેટા વિભાગીય કચેરીનો સ્ટાફ જોડાયો હતો. ગઇકાલે માત્ર વીજ જોડાણ કટ્ટ કરવાની જ કાર્યવાહી કરવામાં આવી હતી. દ્વારકા જિલ્લામાં ગઇકાલે પીજીવીસીએલની ૧૧૧ ટીમોએ ઠેર ઠેર વીજ જોડાણ કટ્ટ કરવાની કામગીરી કરી હતી. ખંભાળીયા, દ્વારકા, ઓખા, કલ્યાણપુર સહિતના વિસ્તારોમાં પોલીસના કાફલા સાથે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
જામનગરમાં આજે પટેલ કોલોની, પંચવટી, નવાગામ ઘેડ, મોહનનગર, ગુલાબનગર, રણજીતરોડ, સેતાવાડ, દિ.પ્લોટ, ખોડીયાર કોલોની, સાધના કોલોની, ચાંદીબજાર, પટ્ટણીવાડ, જીઆઇડીસી સહિતનાં વિસ્તારોમાં પીજીવીસીએલ દ્વારા કનેકશન કટ્ટની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અને પોલીસનો કાફલો પણ ઉતારી દેવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી પીજીવીસીએલ દ્વારા સતત લોકોને જાણ કરાતી હતી કે તમારા બાકી લેણા તાત્કાલિક અસરથી પીજીવીસીએલમાં ભરી જાવ અન્યથા વીજ જોડાણ કટ્ટ કરવામાં આવશે. ગઇકાલે ૩૭૮ ટીમ દ્વારા ફકત વીજ જોડાણ કટ્ટ કરવાની કામગીરી કરવામાં આવી હતી. ચેકીંગની કોઇ કાર્યવાહી કરાઇ ન હતી. બે દિવસથી પીજીવીસીએલ દ્વારા કર્મચારીઓને વિભાગ પાડી દેવામાં આવ્યા હતા. અને કુલ ૧૦૬૩૨વીજ જોડાણોની ૮૦૮.૨૯ લાખની રકમ વસુલવા એક વ્યુહ ઘડાયો હતો.
જિલ્લામાં કોઇપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પીજીવીસીએલના વડા હસિત વ્યાસની આગેવાની હેઠળ અધિકારીઓ રાબડીયા, પરમાર, જેઠવા સહિતના અધિકારી, કર્મચારી પણ જોડાયા હતા. અને સતત મોનેટરીંગ કર્યું હતું. જામનગર શહેર જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં અવાર નવાર વીજ લોસ આવે છે ત્યારે આ ડ્રાઇવ પછી ફરીથી વીજ ચોરી પકડી પાડવા માટે પણ અભિયાન હાથ ધરવામાં આવશે. તેમ જાણવા મળે છે.