જામનગર એનસીસી ગ્રુપના આર્મી-નેવી વીંગ્સના ૧૯૯ કેડેટસ રાષ્ટ્રીય કેમ્પમાં

  • January 30, 2024 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ, અમદાવાદ, વડોદરા થઇને રાજ્યના ૪૦૦ કેડેટસ તાલીમ લઇને રાષ્ટ્રસેવાના પથ પર આગળ વધી રહ્યા છે

કચ્છમાં કેરાની એચજેડી ઈન્સ્ટિટ્યૂટમાં એક ભારત-શ્રેષ્ઠ ભારત (ઈબીએસબી) રાષ્ટ્રીય એનસીસી કેમ્પનું આયોજન ર૩ જાન્યુઆરીથી ૩ ફેબ્રુઆરી ર૦ર૪ સુધી કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં જામનગર ગ્રુપ હેડક્વાર્ટર્સના આર્મી, નેવી સિનિયર વીંગ્સના ૧૯૯ કેડેટ્સ ભાગ લઈ રહ્યા છે, જ્યારે સમગ્ર ગુજરાત માંથી અમદાવાદ, વડોદરા, રાજકોટ, વલ્લભ વિદ્યાનગર, જામનગર ગ્રુપના એમ આર્મી, નેવી, એરફોર્સ વીંગ્સના કુલ ૪૦૦ જેટલા કેડેટ્સ ભાગ લઈ રહ્યા છે. આ કેમ્પમાં પ્રથમ દિવસે જામનગર એનસીસી ગ્રુપ હેડક્વાર્ટરના ગ્રુપ કમાન્ડર કર્નલ એચ.કે સિંઘ દ્વારા પ્રારંભિક ઉદૃબોધન કરવામાં આવ્યું હતું.
કર્નલ એચ.કે. સિંઘે જણાવ્યું હતું કે, એનસીસી ડાયરેક્ટેરેટ ગુજરાત, દીવ-દમણ અને દાદરાનગર હવેલીના એડીશનલ ડાયરેક્ટર જનરલ મેજર જનરલ રમેશ શનમુગમના માર્ગદર્શન હેઠળ એનસીસી કેડ્ટ્સ વિવિધ તાલીમો મેળવી રાષ્ટ્રસેવાના પથ પર આગળ વધી રહ્યા છે.
તેમણે ઉમેર્યું હતું કે, સમાજમાં હકારાત્મક બદલાવ લાવવાની જવાબદારી એનસીસી કેડેટ્સની છે. આત્મનિર્ભર બની-કૌશલ્યને સહારે દેશમાંથી ગરીબીને દૂર કરવાની છે. જોબ સીકર નહીં પણ જોબ ક્રિએટર બનવાનું છે. સંરક્ષણ સેવામાં જોડાવું એ ઉત્તમ કારકિર્દી છે. રમતગમત અને સાહસિક પ્રવૃત્તિઓના સપનાને સાકાર કરવા સામાન્ય નાગરિકોને લાખો રૂપિયા ખર્ચવા પડે છે. તે તમામ સુવિધાઓ સંરક્ષણ સેવાની તાલીમનો અભિન્ન હિસ્સો છે. જે વ્યક્તિના જીવનનો સર્વાંગી વિકાસ કરે છે.
આ રાષ્ટ્રીય કેમ્પમાં તાલીમાર્થીઓને કચ્છના ભૌગોલિક મહત્ત્વ, સાંસ્કૃતિક અને કલા વારસાનો પણ પરિચય કરાવવામાં આવી રહ્યો છે. કેડ્ટ્સને સફેદ રણ (ધોરડો) તથા બોર્ડર આસ્ટ પોસ્ટ નજીક ધર્મશાલામાં શહીદ સ્મારકની પણ મુલાકાત કરાવવામાં આવી છે. પ્રેરણાત્મક સંબોધનો તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન થશે.
આ કેમ્પનું આયોજન ૩૬ ગુજરાત બટાલિયન એનસીસી ભૂજમાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે. જેમાં કમાન્ડીંગ ઓફિસર કર્નલ વિકાસ પ્રભાકર, એડમીન્ટ ઓફિસર લેફ્ટનન્ટ કર્નલ સંદીપ ખવાસ કેડેટ્સને વિવિધ પ્રવૃત્તિઓ માટે માર્ગદર્શિત કરી રહ્યા છે.
પેરાકમાન્ડો સહિતના પીઆઈ સ્ટાફ તથા આર્મી, નેવી, એરફોર્સ વીંગ્સના એએનઓ પણ આ કેમ્પમાં સેવાનિયુક્ત છે. એચજેડી ઈન્સ્ટિટ્યુટના ચેરમેન ડો. જગદીશ હાલાઈ તથા મેનેજમેન્ટ ટીમ દ્વારા આ કેમ્પને વિવિધ સવલતો સુંદર રીતે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application